નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરોધી કાર્યવાહી કરતા મંગળવારે રાતે ૧.૦૦ કલાકે પાકિસ્તાનના પંજાબ અને પીઓકેમાં કુલ ૯ સ્થળો પર આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો છે. ભારતની ત્રણેય સેનાનું આ સંયુક્ત ઓપેરશન હતું, જેમાં ભારતીય સેનાએ પીઓકે જ્યારે એરફોર્સે પાકિસ્તાનમાં આવેલા આતંકી સ્થળોનો નાશ કર્યો હતો. ભારતની ગુપ્તચર સંસ્થા રૉએ આતંકીઓના ૨૧ સ્થળોની ઓળખ કરી હતી, જેમાંથી નવ સ્થળો પર મિસાઈલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવાયો હતો. આ ઓપરેશનમાં પાકિસ્તાનના નાગરિકો અને પાકિસ્તાની સૈન્ય સ્થળોને કોઈ નુકશાન ના થાય તે બાબતનું વિશેષ ધ્યાન રખાયું હતું.
રિસર્ચ એનાલિસીસ વિંગે મિસાઈલ સ્ટ્રાઈક માટે 21માંથી નવ સ્થળો પસંદ કર્યા હતા
– બુહાવલપુર : પાકિસ્તાનના પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૦૦ કિ.મી. અંદર બુહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર હતું.
– મુરીદકે : આંતરરાષ્ટ્રીય સરહદથી ૩૦ કિ.મી. દુર મુરીદકેમાં લશ્કર-એ-તોયબાની છાવણી હતી, જ્યાં ૨૬-૧૧ના હુમલાખોર કસાબને તાલીમ અપાઈ હતી.
– સિયાલકોટ : હિઝબુલ મુજાહિદ્દીનનો મહમૂન જાયા કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૨થી ૧૮ કિ.મી. દૂર હતો. આ કેમ્પમાંથી કઠુઆમાં આતંક ફેલાવાતો હતો.
– સિયાલકોટ : સર્જલ કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી ૬ કિ.મી. દૂર આતંકીઓને તાલિમ અપાતી હતી.
– આ ચારેય આંતકી સ્થળોનો એરફોર્સે રાફેલ અને સુખોઈ મારફત નાશ કર્યો.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં અંકુશ રેખા નજીકના ટાર્ગેટ સ્થળો
– મુઝફ્ફરાબાદ : લશ્કર-એ-તોયબાનું ટ્રેઈનિંગ સેન્ટર સવાઈનાલા કેમ્પ એલઓસીથી ૩૦ કિ.મી. દૂર છે.
– મુઝફ્ફરાબાદ : જૈશ-એ-મોહમ્મદનો સૈયદના બિલાલ કેમ્પ એલઓસીથી ૩૦ કિ.મી. દૂર છે.
– કોટલી : લશ્કર-એ-તોયબાનો ગુલપુર કેમ્પ ૩૦ કિ.મી. અને અબ્બાસ કેમ્પ ૧૩ કિ.મી. દૂર છે.
– બિંબર : બરમાલા કેમ્પ એલઓસીથી ૯ કિ.મી. દૂર છે. અહીં આતંકીઓને હથિયારોના હેન્ડલિંગ, આઈડી અને જંગલ સર્વાઈવલ કેન્દ્રની તાલિમ અપાતી હતી.
– આ પાંચ સ્થળો પર ભારતીય આર્મીએ સ્માર્ટ મ્યુનિશન અને પ્રીશિસન ગાઈડેડ મ્યુનિશનથી સચોટ નિશાન લગાવ્યા હતા અને તેમનો નાશ કર્યો હતો.