(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮
હાઇકોર્ટોમાં સાત લાખથી વધારે ક્રિમિનલ અપીલ પેન્ડિંગ
હોવાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તે
ન્યાયમૂર્તિઓની નિમણૂક માટેના નામોને તાત્કાલિક મંજૂરી આપે જેથી ખાલી જગ્યાઓ અને
વિલંબિત કેસોની સમસ્યાને ઘટાડી શકાય.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની
ખંડપીઠે જણાવ્યું હતું કે અલ્લાહાબાદ
હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલોના ૨.૭ લાખ કેસો વિલંબિત છે. ત્યાં ન્યાયમૂર્તિઓની
મંજૂર સંખ્યા ૧૬૦ છે પણ ત્યાં હાલમાં ૭૯ ન્યાયમૂર્તિઓ જ કાર્ય કરી રહ્યાં છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે આ એક એવું પાસું છે જ્યાં કેન્દ્ર
સરકારને કાર્યવાહી કરવા અને એ સુનિશ્ચિત કરવાની જરૃર છે કે કોલેજિયમની ભલામણોને
તાત્કાલિક મંજૂરી આપવામાં આવે. અમને આશા અને વિશ્વાસ છે કે વિલંબિત પ્રસ્તાવોને
કેન્દ્ર સરકાર વહેલામાં વહેલી તકે મંજૂરી આપશે.
આવી જ સ્થિતિ બોમ્બે હાઇકોર્ટમાં છે. ત્યાં મંજૂર
ન્યાયમૂર્તિઓની સંખ્યા ૯૪ છે જ્યારે ત્યાં ફક્ત ૬૬ ન્યાયમૂર્તિઓ જ કાર્ય કરી
રહ્યાં છે. દિલ્હી હાઇકોર્ટમાં મંજૂર ન્યાયમૂર્તિઓની સંખ્યા ૬૦ છે જ્યારે ત્યાં
ફક્ત ૪૧ ન્યાયમૂર્તિઓ કાર્ય કરી રહ્યાં છે.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે વિલંબિત ક્રિમિનલ અપીલોની
સંખ્યા ખૂબ જ વધારે છે. તેથી આ મુદ્દાને અલગ રીતે ઉકેલવાની જરૃર છે. કલકત્તા
હાઇકોર્ટમાં જજોની મંજૂર કરાયેલી સંખ્યા ૭૨ છે જેની સામે ૪૪ જજો કાર્ય કરી રહ્યાં
છે.
સુપ્રીમ કોર્ટે બે દિવસ અગાઉ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં નિમણૂક
માટે સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી
હતી.