India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ઊભા થઈ રહેલા સવાલોનો વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાનની સાથે અમારા સંબંધ અને વ્યવહાર સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રહેશે. તેમાં સહેજ પણ ફેરફાર નથી થયો. વડાપ્રધાને પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની સાથે હવે વાતચીત માત્ર આતંકવાદ અને પીઓકે ખાલી કરવા પર થશે.’
હોન્ડુરાસના દૂતાવાસના ઉદ્ધાટન પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ‘પાકિસ્તાનની પાસે આતંકવાદીઓની એક યાદી છે, જે અમને સોંપવી પડશે. સાથે જ તે આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવાનું છે. અમે તેમની સાથે આતંકવાદ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આ એ વાતચીત છે જે સંભવ છે.’
તેમણે કહ્યું કે, ‘સિંધુ જળ સંધિ સ્થગિત છે અને ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર આતંકવાદને રોકવામાં નહીં આવે. કાશ્મીર પર ચર્ચા માટે માત્ર એક જ વાત બચી છે, તે છે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજો કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાની. અમે આ ચર્ચા માટે તૈયાર છીએ.’
યુદ્ધવિરામને લઈને વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘એ સ્પષ્ટ છે કે ગોળીબાર બંધ કરવાની માગ કોણ કરી રહ્યું હતું. અમે આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દીધું જે ટાર્ગેટ નક્કી કર્યા હતા, તે અમે હાંસલ કરી લીધા છે. ઓપરેશન સિંદૂરની શરુઆતમાં જ અમે પાકિસ્તાનને એ સંદેશ મોકલી દીધો હતો કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવા જઈ રહ્યા છીએ, ન કે સેના પર. સેના પાસે એ વિકલ્પ છે કે તેઓ અલગ ઉભા રહે અને હસ્તક્ષેપ ન કરે. તેમણે એ સલાહ ન માનવાનો નિર્ણય લીધો. પછી પાકિસ્તાનને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું.’
પહલગામ હુમલા પર વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘અમને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. અમે UNSCમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ગુનેગારોને જવાબ આપવો જોઈએ અને 7 મેના રોજ તેમને ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દેવાયો.’