અમદાવાદ : તાજેતરમાં શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી જેવા બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઉછાળા જોવા મળી રહ્યા છે. આમ છતાં, મોટાભાગના શેર હજુ પણ તેમના અગાઉના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા નથી. ડેટા અનુસાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બજાર તેની ટોચ પર હતું તેની સરખામણીમાં ૭૨ ટકા અથવા ૪૧ નિફ્ટી શેર હજુ પણ નીચે ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ હાલમાં તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી માત્ર ૫% નીચે છે અને તાજેતરના ઘટાડા પછી ૨૧,૭૫૦થી લગભગ ૧૪% રિકવર થયો છે. પરંતુ આ રિકવરી ફક્ત થોડા પસંદગીના શેરોમાં જ દેખાય છે.
શજીઈ ૫૦૦ ના ડેટા એ પણ દર્શાવે છે કે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૭૨ ટકાથી વધુ શેર હજુ પણ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. એટલું જ નહીં, દરેક ચોથો શેર એટલે કે લગભગ ૨૮% શેર હજુ પણ ૨૦% થી વધુ ઘટેલા છે.
અભ્યાસી વર્તુળોના જણાવ્યા અનુસાર, ટોચની ૭૫૦ કંપનીઓમાંથી, ફક્ત ૩૦-૩૫ કંપનીઓના શેરમાં જ આ તેજી જોવાઈ છે. બજારમા બુલ મૃગજળ એટલે કે તેજીનું બજાર ખરૂ પણ ખરેખર તેજી અસ્તિત્વમાં નથી.
શજીઈ ૫૦૦ના ડેટા અનુસાર, સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલના શેરમાં ૫૪%, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૫૧%, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં ૪૯%, બ્રેઈનબીઝ સોલ્યુશન્સના શેરમાં ૪૬% અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં પણ ૪૬% ઘટાડો થયો છે. આ બધા હજુ પણ ગયા વર્ષના ઉચ્ચતમ સ્તરથી ઘણા નીચે છે.
જોકે, કેટલાક શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જેમાં JSW હોલ્ડિંગ્સ ૧૫૬%, બીએસઈ ૯૮% અને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સના શેર ૬૭% વધ્યા છે. સંરક્ષણ સંબંધિત સરકારી કંપનીઓ જેમ કે મઝગાવ ડોક (૬૧%), ભારત ડાયનેમિક્સ (૬૨%) અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (૪૫%) પણ ટોચના લાભકર્તાઓમાં સામેલ છે.
ટેકનિકલ નિષ્ણાતો માને છે કે બજારમાં લાંબા ગાળાની તેજીના સંકેતો હજુ પણ સ્પષ્ટ છે. નિફ્ટીએ તાજેતરમાં ૩,૦૦૦ પોઈન્ટની તીવ્ર રિકવરી કરી છે અને તે ૫૦-દિવસના મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે. આ તેજીનું નેતૃત્વ બેંકિંગ જેવા પસંદગીના ક્ષેત્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરો કરી રહ્યા છે.
ફંડ ક્ષેત્રે સિપમાં રોકાણપ્રવાહ રેકોર્ડ સ્તરે છે અને એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને તરફથી જોરદાર ખરીદી જોવા મળી રહી છે.