– કેન્દ્રએ આઠ સપ્તાહનો સમય માંગ્યો હતો
– રાહુલ બ્રિટિશ નાગરિક હોવાથી તે સાંસદ તરીકે ચૂંટણી જ ન લડી શકે, આમ તે લોકસભામાં જ ન રહી શકે : અરજદાર
નવી દિલ્હી : રાહુલ ગાંધીના બેવડા નાગરિકત્વ અંગે નિર્ણય કરવા માટે કેન્દ્ર સરકારને કોર્ટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. કેન્દ્રએ જો કે આઠ સપ્તાહ માંગ્યા હતા, પરંતુ કોર્ટે તેને ચાર સપ્તાહ જ આપ્યા હતા. અરજીમાં અરજદારે દલીલ કરી છે કે તેની પાસે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા પુરવાર કરતાં બધા જ દસ્તાવેજો છે. તેની પાસે બ્રિટિશ સરકારના બધા દસ્તાવેજ અને ઇ-મેઇલ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. આથી તે ચૂંટણી લડવા અયોગ્ય છે. તેથી તે લોકસભાના સભ્ય ન રહી શકે.
રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના કેસની આગામી સુનાવણી ૨૧ એપ્રિલે થશે. પહેલી જુલાઈ ૨૦૨૪ના રોજ કર્ણાટકના વકીલ અને ભાજપના સભ્ય એસ વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી, તેમા તેમણે રાહુલ ગાંધી બ્રિટિશ હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારે બ્રિટિશ સરકારના ૨૦૨૨ના ખાનગી મેઇલને ટાંકીને આ આરોપ લગાવ્યો હતો.
વિગ્નેશ શિશિરે ભારતીય નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની જોગવાઈ ૯(૨)ને ટાંકતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી હતી. આ અરજીમાં રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા છૂપાવવાના લીધે આ વર્ષે રાયબરેલી લોકસભા બેઠક પર તેમની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
અરજદારે દલીલ કરી હતી કે તેમની પાસે બ્રિટિશ સરકારના બધા દસ્તાવેજ અને કેટલાક ઇ-મેઇલ છે જે સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. આ જ કારણસર તે ભારતમાં ચૂંટણી લડવા જ અયોગ્ય છે. અરજદારે એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના બેવડા નાગરિકત્વ અંગે સક્ષમ અધિકારીને બે વખત ફરિયાદ મોકલી, પરંતુ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વર્તમાન અરજી દાખલ કરવામાં આવી છે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા ભારતીય ન્યાયસંહિતા અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ હેઠળ ગુનો છે. તેથી સીબીઆઈને આ કેસ નોંધવાનો અને તેની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે.