વર્ષ ૨૦૨૫નું નિફટીનું ગાબડું પૂરાયું : ઘટયામથાળેથી ૭.૭૧ ટકા ઉછાળો
મુંબઈ : નાણા વર્ષ ૨૦૨૪-૨૫ આ સપ્તાહમાં શેર બજારો માટે પૂરું થઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ઘણા રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં નુકશાની ચોપડે લેવા ખોટના શેરોમાંથી એક્ઝિટ કરવા લાગ્યા સામે ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બની તક ઝડપતા અને અન્ય મહારથીઓએ વેલ્યુબાઈંગની મોટી તક ઝડપી શેરોમાં સતત છઠ્ઠા દિવસે તેજીનો વેપાર કરતાં બજારમાં ફુલગુલાબી તેજી જોવાઈ હતી.અમેરિકા દ્વારા ૨, એપ્રિલથી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારીએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે સાધારણ સુધારો જોવાયો હતો, પરંતુ ભારતીય શેર બજારોમાં સતત વેલ્યુબાઈંગ સાથે ફંડોએ મોટી તેજી ચાલુ રાખી હતી. અમેરિકાના સરકારી અધિકારીઓ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં પૂર્વે ભારતની મુલાકાતે આવી રહ્યા હોઈ લોકલ ફંડોએ સાવચેતી અપનાવ્યા સામે વિદેશી ફંડોએ સતત તેજી કરી હતી.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૭૮૦૦૦ અને નિફટી ૨૩૭૦૦ની સપાટી કુદાવી : વર્ષ ૨૦૨૫નું નિફટીનું ગાબડું પૂરાયું
બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજીની આગેવાનીએ ફંડો, મહારથીઓએ ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, પાવર, રિયાલ્ટી, હેલ્થકેર, આઈટી શેરોમાં ખરીદી ચાલુ રાખતાં સેન્સેક્સે ૭૮૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૭૦૦ની સપાટી ઈન્ટ્રા-ડે કુદાવી હતી. નિફટીમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન જોવાયેલો ઘટાડો આજે પૂરો રિકવર થઈ ગયો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આજે ઈન્ટ્રા-ડે ઉપરમાં ૨૩૭૦૮.૭૫ સુધી જઈ અંતે ૩૦૭.૯૫ પોઈન્ટની છલાંગે ૨૩૬૫૮.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ઉપરમાં ૭૮૧૦૭.૨૩ સુધી જઈ અંતે ૧૦૭૮.૮૭ પોઈન્ટના ઉછાળે ૭૭૯૮૪.૩૮ બંધ રહ્યો હતો. નિફટી ૪, માર્ચ ૨૦૨૫ની ૨૧૯૬૪.૬૦ની નીચી સપાટીથી હવે ૨૩૭૦૮.૭૫ની ઈન્ટ્રા-ડે ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જયારે સેન્સેક્સ ૪, માર્ચ ૨૦૨૫ની ૭૨૬૩૩.૫૪ની નીચી સપાટીથી આજે ઈન્ટ્રા-ડે ૭૮૧૦૭.૨૩ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આમ નિફટીમાં વર્ષ ૨૦૨૫ના ૨૧૯૬૪ના ઘટયામથાળેથી ૭.૭૧ ટકા એટલે કે ૧૬૯૪ પોઈન્ટ અને સેન્સેક્સમાં ૭૨૬૩૩ના ઘટયામથાળેથી ૭.૩૬ ટકા એટલે કે ૫૩૫૧ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૯૯, હિન્દ. એરોનોટિક્સ રૂ.૨૪૧, ભારત ડાયનામિક્સ રૂ.૬૭, કમિન્સ રૂ.૧૧૭ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ આક્રમક લેવાલી વધારતાં અનેક શેરોના ભાવો ઉછળ્યા હતા. ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૯૮.૭૫ ઉછળી રૂ.૯૩૭.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૪૧.૧૦ ઉછળી રૂ.૪૧૨૯.૮૫, ભારત ડાયનામિક્સ રૂ.૬૭ વધીને રૂ.૧૩૬૦, ટીટાગ્રહ રૂ.૩૬.૪૫ વધીને રૂ.૮૨૦.૯૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૬.૯૫ વધીને રૂ.૩૦૫૬.૦૫, કેઈન્સ રૂ.૧૮૫.૩૫ વધીને રૂ.૫૦૩૬, ટીમકેન રૂ.૯૧.૧૫ વધીને રૂ.૨૭૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૫૦૭.૩૫, રેલ વિકાસ નિગમ રૂ.૧૦.૩૦ વધીને રૂ.૩૭૧.૫૫, ભેલ રૂ.૫.૬૦ વધીને રૂ.૨૧૭.૪૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૩.૭૫ વધીને રૂ.૩૪૮૧.૧૦, એબીબી રૂ.૭૬.૩૫ વધીને રૂ.૫૫૩૩.૭૫, કલ્પતરૂ પાવર રૂ.૧૩.૫૦ વધીને રૂ.૯૮૫.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૦૫ પોઈન્ટ ઉછળીને ૬૩૧૦૬.૭૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં આકર્ષણ : નેલ્કો રૂ.૬૪, ડાટામેટિક્સ રૂ.૪૮, સાસ્કેન રૂ.૮૨, ઓરેકલ રૂ.૩૧૨ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ સતત જળવાઈ રહેતાં આજે તેજીનો દોર આગળ વધ્યો હતો. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૭૪.૦૬ પોઈન્ટ વધીને ૩૬૬૧૨.૬૯ બંધ રહ્યો હતો. આઈટી શેરોમાં નેલ્કો રૂ.૬૩.૯૫ વધીને રૂ.૯૧૧.૯૫, ડાટામેટિક્સ રૂ.૪૮.૧૦ વધીને રૂ.૬૫૩.૨૦, સાસ્કેન રૂ.૮૧.૮૦ વધીને રૂ.૧૪૮૯, કેપીઆઈટી રૂ.૬૧.૫૦ વધીને રૂ.૧૩૮૪.૫૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૧૨.૫૫ વધીને રૂ.૭૯૫૯.૩૫, ટેક મહિન્દ્રા રૂ.૪૮.૫૫ વધીને રૂ.૧૪૫૮.૬૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૩.૬૫ વધીને રૂ.૬૯૭.૬૦, ટાટા એલેક્સી રૂ.૧૬૩.૯૫ વધીને રૂ.૫૬૨૯.૫૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૪૭.૧૫ વધીને રૂ.૫૪૨૩.૩૦ રહ્યા હતા.
બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૭૨ પોઈન્ટ ઉછળ્યો : કોટક બેંક રૂ.૯૩, સ્ટેટ બેંક રૂ.૨૮, ફેડરલ રૂ.૯ ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ મોટી તેજી કરી હતી. ફેડરલ બેંક રૂ.૮.૫૦ વધીને રૂ.૧૯૫.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૯૩.૯૫ વધીને રૂ.૨૧૭૮.૩૫, કેનેરા બેંક રૂ.૩.૭૨ વધીને રૂ.૯૧.૩૨, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૮.૪૦ વધીને રૂ.૭૮૧.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૮૦ વધીને રૂ.૨૨૪.૫૦, એક્સિસ બેંક રૂ.૨૬.૮૫ વધીને રૂ.૧૦૯૮, એચડીએફસી બેંક રૂ.૩૧.૩૦ વધીને રૂ.૧૮૦૧.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૭૧.૫૨ પોઈન્ટ ઉછળીને ૫૯૬૪૪.૭૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં સતત તેજી: ગુજરાત થેમીસ રૂ.૩૭ ઉછળી રૂ.૨૯૨ : ઈન્ડોકો, સન ફાર્મા એડવાન્સ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સતત વેલ્યુબાઈંગ કર્યું હતું. ગુજરાત થેમીસ રૂ.૩૬.૯૦ ઉછળી રૂ.૨૯૧.૬૫, ઈન્ડોકો રૂ.૧૫.૩૦ વધીને રૂ.૨૫૧, સન ફાર્મા એડવાન્સ રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૬, માર્કસન્સ રૂ.૧૦.૮૦ વધીને રૂ.૨૨૮.૩૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૫.૫૦ વધીને રૂ.૬૫૩.૧૫, ઈપ્કા લેબ રૂ.૪૫.૫૫ વધીને રૂ.૧૪૫૨.૫૦, કિમ્સ રૂ.૨૫.૭૫ વધીને રૂ.૬૩૯.૮૦ અમી ઓર્ગેનિક્સ રૂ.૮૦.૫૫ વધીને રૂ.૨૪૯૫.૪૦, રેઈનબો રૂ.૫૫.૭૫ વધીને રૂ.૧૩૫૭.૭૫ રહ્યા હતા.
રિલાયન્સ રૂ.૨૫ વધીને રૂ.૧૩૦૧ : ગેઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલમાં મજબૂતી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત બનીને બ્રેન્ટ ક્રુડના સાંજે ૪૪ સેન્ટ વધીને ૭૨.૬૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૪૯ સેન્ટ વધીને ૬૮.૭૭ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૬૦ વધીને રૂ.૧૮૧.૩૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૧૫ વધીને રૂ.૨૦૩.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૯૦ વધીને રૂ.૧૩૦૧.૩૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૨૫ વધીને રૂ.૧૩૩.૭૫, એચપીસીએલ રૂ.૪.૭૦ વધીને રૂ.૩૬૧.૭૫, ઓએનજીસી રૂ.૧.૨૦ વધીને રૂ.૨૪૩.૭૫ રહ્યા હતા.
માર્ચ અંત પૂર્વે સ્મોલ, મિડ કેપ શેરોમાં તોફાન : નવા વર્ષમાં તેજીના સંકેત ? ૨૪૫૮ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરોના નુકશાનીના શેરો ચોપડે નુકશાની લેવા વેચાઈ રહ્યા હોઈ ફંડો, મહારથીઓએ આ પૈકી સારા શેરોમાં વેલ્યુબાઈંગની સતત તક ઝડપતાં આજે વ્યાપક ઉછાળો આવ્યો હતો. જે નવા નાણા વર્ષમાં મોટી તેજી થવાનો પણ સંકેત આપી રહ્યાની ચર્ચા હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૫૮ અને ઘટનારની સંખ્યા ૧૬૮૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૯૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૮.૨૯ લાખ કરોડ
શેરોમાં સતત વ્યાપક તેજીના ુપરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૯૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૮.૨૯ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. આમ છ ટ્રેડિંગ દિવસમાં રોકાણકારોની સંપતિ રૂ.૩૯૧.૧૮ લાખ કરોડથી રૂ.૨૭.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૧૮.૨૯ લાખ કરોડ પહોંચી છે.
FPIs/FII કેશમાં રૂ.૩૦૫૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૯૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે સોમવારે શેરોમાં ફરી કેશમાં રૂ.૩૦૫૫.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૯૮.૫૪કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૮૭૯.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૮૦.૭૫ કરોડની વેચવાલી કરી હતી.