Stock Market Closing Bell: શેરબજારમાં આજે ધૂઆંધાર તેજી નોંધાઈ છે. સેન્સેક્સ આજે 30 ટ્રેડિંગ સેશન બાદ ઇન્ટ્રા ડે 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. ગત સપ્તાહથી શરુ થયેલી તેજીના માહોલમાં રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી છે. નિફ્ટી પણ ઇન્ટ્રા ડે 23700નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.
સેન્સેક્સ 4055 પોઇન્ટ ઉછળ્યો
સેન્સેક્સ છ ટ્રેડિંગ સેશનમાં 4055 પોઇન્ટ ઉછળ્યો છે. જે અગાઉ 13 માર્ચના રોજ 73928.91 પર બંધ રહ્યો હતો. આજે 1078.87 પોઇન્ટના ઉછાળા સાથે 77984.38ના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 આજે 307.95 પોઇન્ટ ઉછળી 23658.35 પર બંધ રહ્યો હતો. છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં 27.11 લાખ કરોડનો સુધારો થયો છે. આજની તેજીનો શ્રેય બૅન્કિંગ શેર્સના શિરે છે. એફઆઇઆઇની ખરીદી સાથે બૅન્કિંગ અને ફાયનાન્સ શેર્સમાં ધૂમ લેવાલી જોવા મળી છે. બીએસઈ બૅન્કેક્સ 1471.52 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો છે. ફેડરલ બૅન્ક 4.54 ટકા, કોટક બૅન્ક 4.51 ટકા, કેનેરા બૅન્ક 4.25 ટકા અને એસબીઆઇ 3.77 ટકા વધ્યો છે. જો કે, હિસાબ ગોટાળાના કેસના લીધે ઇન્ડસઇન્ડ બૅન્કનો શેર આજે વધુ 2.42 ટકા તૂટ્યો હતો.
પીએસયુ શેર્સમાં ઉછાળો
પીએસયુ અને પાવર શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી છે. IREDA 9.78 ટકા, રાઇટ્સ 6.68 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ 6.20 ટકા ઉછળ્યો છે. બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ 2.84 ટકા (510.08 પોઇન્ટ) ઉછાળા સાથે બંધ રહ્યો હતો. પાવર ઇન્ડેક્સ પણ 2.31 ટકા ઉછાળી 6696.75 પર બંધ રહ્યો હતો.
સ્થાનિક શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી છે. જેની પાછળનું કારણ નીચા મથાળે ખરીદી અને એફઆઇઆઇની લેવાલી છે. સરકારના ખર્ચમાં વધારો તેમજ મોનેટરીમાં સુધારાના પગલે બૅન્કિંગ, એનબીએફસી, ઓટો, કન્ઝ્યમર ડ્યુરેબલ્સ, રિયલ એસ્ટેટ સહિતના સેક્ટર આઉટપર્ફોર્મર બન્યા છે. આ તેજીના ટ્રેન્ડની સ્થિરતા આગામી સમયમાં રજૂ થનારા પીએમઆઈ ડેટા, Q4 પરિણામ, અને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની અસરો પર નિર્ભર રહેશે.