અમદાવાદ : માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણી એકંદરે, બજારની અપેક્ષાઓ કરતાં સારી રહી છે. આગેવાન કંપનીઓના સારા દેખાવને કારણે કંપનીઓની એકંદર નફાકારકતામાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં ૧,૫૫૫ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ૬.૬ ટકા વધ્યો છે, જે મોટાભાગના બ્રોકરેજના અંદાજ કરતા વધારે છે.
અભ્યાસમાં સામેલ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૫ ના ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં વૃદ્ધિ નોંધાવી હતી પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટર કરતા ઓછી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટર દરમિયાન નમૂનામાં કંપનીઓનો એકંદર ચોખ્ખો નફો એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ૧૦.૮ ટકા વધ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૫ ના ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીઓનો એકીકૃત ચોખ્ખો નફો ૬.૫ ટકા વધ્યો હતો. નાણાકીય વર્ષ ૨૫ ના ચોથા ક્વાર્ટરમાં આ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો વધીને રૂ. ૩.૬ લાખ કરોડના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા ક્વાર્ટરમાં આ આંકડો રૂ. ૩.૩૯ લાખ કરોડ હતો. કોર્પોરેટ આવક વૃદ્ધિમાં ટોચની પાંચ કંપનીઓનો હિસ્સો ૭૩ ટકા હતો.
ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતી એરટેલનો કુલ ચોખ્ખો નફો ૧૮૫.૭ ટકા વધ્યો, જ્યારે ઇન્ડિયન ઓઇલનો નફો ૫૭.૮ ટકા અને હિન્દાલ્કોનો નફો ૬૬.૩ ટકા વધ્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકિંગ, ફાઇનાન્સ અને વીમા, તેલ અને ગેસ, આઈટી સેવાઓ, ઓટોમોબાઇલ અને ધાતુઓ અને ખાણકામ ક્ષેત્રોમાં કંપનીઓના ચોખ્ખા વેચાણમાં એક અંકમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
કંપનીઓના કુલ ચોખ્ખા વેચાણ અથવા આવક નાણાકીય વર્ષ ૨૦૨૫ ના ચોથા ક્વાર્ટરમાં ૭.૨ ટકા વધી છે, જે નાણાકીય વર્ષ ૨૪ ના સમાન ક્વાર્ટરમાં ૮.૪ ટકા હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના ચોથા ક્વાર્ટરમાં આ કંપનીઓની કુલ ચોખ્ખી આવક રૂ. ૩૪.૯૬ લાખ કરોડ રહી હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૩૨.૬૧ લાખ કરોડ હતી. ઓપરેટિંગ ખર્ચમાં પ્રમાણમાં ઓછી વૃદ્ધિને કારણે કંપનીઓને સુધારેલા ઓપરેટિંગ માર્જિનનો ફાયદો થયો છે. સુચિત સમયમાં મિડકેપ શેરોએ સારો દેખાવ કર્યો હતો જ્યારે લાર્જ-કેપ કંપનીઓએ નિરાશા વ્યક્ત કરી હતી.
અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર બાદ ભારતની કંપનીઓની કામગીરી પર અસર જોવા મળવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ટ્રેડ વોરની અસર ખાસ ગંભીર નહીં હોવાનો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.