મુંબઈ : યુરોપ ખાતેથી આયાત પર ૫૦ ટકા ડયૂટી લાગુ કરવાના નિર્ણયને લંબાવવાની અમેરિકાએ જાહેરાત કરતા બિટકોઈનમાં ફરી સુધારા તરફી ચાલ જોવા મળી હતી અને સપ્તાહના પ્રારંભમાં ભાવ ફરી ૧,૧૦,૦૦૦ ડોલર જોવા મળ્યો હતો.
બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ આકર્ષણ જોવા મળ્યું હતું અને એથરમ વધીને ૨૫૮૮ ડોલર જોવા મળ્યો હતો. ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ ૩.૪૬ ટ્રિલિયન ડોલર પહોંચી હતી.
યુરોપ ખાતેથી થતી આયાત પર ૫૦ ટકા ટેરિફ વસૂલવાના નિર્ણયને હાલ પૂરતું મોકૂફ રખાતા ક્રિપ્ટો માર્કેટને ટૂંક સમય માટે રાહત મળી છે. ગયા સપ્તાહમાં બિટકોઈને ૧,૧૨,૦૦૦ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૦૬૬૭૮ ડોલર જ્યારે ઉપરમાં ૧૧૦૧૫૪ ડોલર જોવા મળ્યો હતો.
સંસ્થાકીય રોકાણકારોના આકર્ષણને પગલે બિટકોઈનમાં નવી ઊંચી સપાટી જોવા મળી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
દરમિયાન પાકિસ્તાને બિટકોઈનના માઈનિંગને ટેકો આપવા તથા એઆઈ ડેટા સેન્ટર્સ માટે ૨૦૦૦ મેગા વોટ ઊર્જા ફાળવણીની જાહેરાત કરી છે. બિટકોઈનમાં વેચાણમાં ઘટાડો નોંધાતા ભાવને ટેકો મળી રહ્યો છે.
અન્ય ક્રિપ્ટોસ જેમ કે સોલાના, કારડાનો, ડોજકોઈન, એકસઆરપીમાં પણ ભાવ સુધારા તરફી રહ્યા હતા.