Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રોડ પર જ શાકભાજીની લારીઓ ઉભી રાખી ધંધાર્થીઓ શાક માર્કેટ ભરતા હોવાથી રાહદારીઓ અને ટ્રાફિકને ખૂબ જ તકલીફ પડી રહી છે. અગાઉ કોર્પોરેશન દ્વારા આ શાકમાર્કેટને બાજુના પ્લોટમાં જરૂરી સુવિધા આપીને શિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ શાકભાજીના ધંધાર્થીઓ ફરી ઉસ્કેરાઈને રોડ પર આવી ગયા છે, અને ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે લારીઓ ઉભી રાખી ધંધો ચાલુ કરી દીધો છે.
અગાઉ શાક માર્કેટ શિફ્ટ થવાથી રોડ પર ટ્રાફિકની જે સમસ્યા રહેતી હતી તે હલ થઈ હતી, પરંતુ તેના પર હવે પાણી ફરી વળ્યું છે. કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે રોડ પર છેલ્લા 25 વર્ષથી શાકમાર્કેટ ભરાતું હતું. અહીં ખાસ તો સાંજે આ શાક માર્કેટના કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહેતી હતી, કારણ કે આ રોડ પર વાહન વ્યવહાર ખૂબ છે. એક સમયે અહીં 50 ધંધાર્થીઓ હતા, પરંતુ ધીમે-ધીમે વધીને 780 જેટલા થઈ ગયા છે. એ પૂર્વે પણ કોર્પોરેશન દ્વારા આ શાક માર્કેટ ખસેડીને બાજુના પ્લોટમાં લઈ જવાયું હતું, પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા હતી નહીં, પરિણામે શાક વેચતા ધંધાર્થીઓ ફરી પાછા રોડ પર ઉભા રહી શાક વેચવાનું ચાલુ કરી દીધું હતું. જેથી કોર્પોરેશન દ્વારા આશરે 25 લાખના ખર્ચે જરૂરી સુવિધાઓ ઉભી કરી હતી. કોર્પોરેશન દ્વારા ધંધાર્થીઓનો સર્વે કર્યો હતો. જેમાં જેની પાસે લાઈટ બિલ હોય તેની યાદી તૈયાર કરી હતી અને કુટુંબદીઠ એક વ્યક્તિ લારી ઉભી રાખી શકે તે માટે આયોજન કર્યું હતું, કેમકે કુટુંબ દીઠ એકથી વધુ લારી ધરાવનારાઓ પણ ઘણા બધા છે. જાણકારોના કહેવા મુજબ અહીં બહારના લોકો આવીને ધંધો કરે છે. ખરેખર તો વિસ્તારના સ્થાનિક ધંધાર્થીઓ હોય તેને જ અહીં ઉભા રાખવા દેવા જોઈએ.