દુધાળા પશુ 3.84 ટકા વધ્યા, સહકારી દૂધ વેચાણ 8.93 ટકા વધ્યું રાજ્યમાં 7 કરોડ વસ્તીમાં 96.40 લાખ, દેશમાં આશરે 145 કરોડની વસ્તીમાં 15.54 કરોડ દુધાળા પશુ : ગુજરાત કરતા રાજસ્થાનમાં બમણાં
રાજકોટ, : સવારે ઉઠતાવેંત જેનું સેવન થાય છે અને પૂજન-અભિષેકમાં પણ જેનો ઉપયોગ થાય છે તે સહકારી ડેરી મારફત દૂધનું વેચાણ ગુજરાતમાં ગત બે વર્ષમાં 60.44 લાખ લિ.થી વધીને 2023-24માં દૈનિક 65.84 લાખ અને દેશમાં 390.86 લાખ લિટરથી વધીને 438.25 લાખ લિટરે પહોંચ્યુ હતુ. રાજ્યસભામાં અપાયેલ માહિતીનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં દૂધનું સહકારી ક્ષેત્રે વેચાણ ઈ.સ. 2021-22ની સાપેક્ષે ઈ. 2023-24માં 8.93 ટકા વધ્યું છે ત્યારે ગુજરાતમાં દુધ આપતા પશુઓની સંખ્યામાં માત્ર 3.84 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં વસ્તી ગણત્રી પાંચ વર્ષથી પેન્ડીંગ છે પરંતુ, અંદાજે 7 કરોડથી વધુ વસ્તી છે. આ સામે રાજ્યમાં દુધાળા પશુઓની સંખ્યા ગત બે વર્ષમાં 92,83,300 થી વધીને 96,39,860 એ પહોંચી છે. વર્ષે 2 ટકાથી ઓછો વધારો થયો છે. આ સામે ગુજરાતના પડોશી રાજસ્થાનમાં દુધાળા પશુઓની સંખ્યા 194.37 લાખથી વધીને 228 લાખે પહોંચી છે એટલે કે ગુજરાત કરતા બમણી છે. પરંતુ, રાજસ્થાનમાં સહકારી ડેરીથી દૂધનું વેચાણ ગુજરાત કરતા ઘણુ ઓછું છે.
સમગ્ર દેશમાં દુદાળા પશુઓની સંખ્યા ઈ.સ. 2021-22માં 14.50 કરોડથી વધીને ઈ.સ. 2023-24 માં 15.58 કરોડે પહોંચી છે. આશરે દર 9 વ્યક્તિએ એક દુધાળુ પશુ છે. સૌથી વધુ દુધાળા પશુઓ ગત વર્,ની વિગત મૂજબ 235.63 લાખ ઉત્તરપ્રદેશમાં, બીજા નંબરે નાનુ રાજ્ય છતાં રાજસ્થાનમાં 228 લાખ, ત્રીજા નંબરે મધ્યપ્રદેશમાં 137.37 લાખ છે. પરંતુ, સહકારી ક્ષેત્રે દૂધનું સૌથી વધુ વેચાણ દૈનિક 78.06 લાખ દિલ્હીમાં અને બીજા નંબરે ગુજરાતમાં 65.84 લાખ લિટર છે. ત્રીજા નંબરે કર્ણાટકમાં 52.69 લાખ લિટર છે.
રાજકોટ સહકારી ડેરીની પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં દૈનિક દૂધ વેચાણ ઈ.સ.2021-22 માં 2.80 લાખ લિટરથી વધીને ઈ.સ. 2023- 24માં 3.18 લાખ લિટર અને હાલ અંદાજે 4 લાખ લિટરથી વધારે છે. પરંતુ, શહેરમાં દુધાળા પશુઓ જેમાં ગૌમાતા મુખ્ય છે તેની સંખ્યા ઉત્તરોત્તર ઘટીને હાલ 10,000 હજારથી ઓછી છે જે એક સમયે 35,000 હતી. ડેરીમાં દૂધ મુખ્યત્વે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે.