મુંબઈ : નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫ દરમિયાન દેશમાં માઈક્રોફાઈનાન્સની વહેંચણી-ડિસબર્સમેન્ટસમાં ૩૮ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. આ સેગ્મેન્ટમાં ચાલી રહેલા સ્ટ્રેસ-તાણના પરિણામે ધિરાણદારોએ લોન વહેંચણીમાં સાવધાની વર્તી છે.
અલબત ત્રીજા ત્રિમાસિકની તુલનાએ માઈક્રોફાઈનાન્સ વહેંચણીમાં એટલે કે ધિરાણમાં મોસમી પરિબળોને કારણે ૧૨.૨ ટકાનો વધારો થયો છે. ક્રેડિટ બ્યુરો સીઆરઆઈએફના રિપોર્ટ મુજબ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ચોથા ત્રિમાસિકમાં માઈક્રોફાઈનાન્સ વહેંચણી ૧૨.૨ ટકા વધીને રૂ.૭૧,૫૮૦ કરોડ થઈ છે, પરંતુ વાર્ષિક ધોરણે ગત વર્ષના સમાનગાળાના રૂ.૧.૧૫ લાખ કરોડની તુલનાએ ૩૮ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે.
જેના પરિણામે કુલ લોન પોર્ટફોલિયો પણ વાર્ષિક ધોરણે ૧૪ ટકા ઘટયો છે અને ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૨.૬ ટકા ઘટીને રૂ.૩.૮૧ લાખ કરોડ થયો છે. જે માર્ચ ૨૦૨૪ના અંતે રૂ.૪.૪૨ લાખ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૪ના અંતે રૂ.૩.૯૧ લાખ કરોડ રહ્યો હતો.
આ ઉપરાંત નવી લોનોની ઉત્પતિમાં ઘટાડો થવા સાથે સક્રિય લોનો પણ માર્ચ ૨૦૨૪ના૧૬.૧૦ કરોડથી ઘટીને માર્ચ ૨૦૨૫ના અંતે ૧૪ કરોડ જેટલી રહી છે. એકંદર સક્રિય ગ્રાહકોની સંખ્યા પણ આ સમયગાળામાં ૮.૭ કરોડથી ઘટીને ૮.૩ કરોડ રહ્યા છે.
આ ઘટાડો દર્શાવે છે, માઈક્રોફાઈનાન્સના ધિરાણદારો લોન તાણની સ્થિતિને લઈ ધિરાણમાં સાવચેત બન્યા છે. આ સાથે નિયામક પગલાંને લઈ પણ સાવચેતીનો અભિગમ જોવાઈ રહ્યો છે. રાજય પ્રમાણેના આંકડામાં તમિલ નાડુ અને કર્ણાટકના પોર્ટફોલિયોમાં નોંધનીય ઘટાડો થયો છે.