Rajnath Singh On POK: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દે તેવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, POKમાં ભારતના પોતાના લોકો રહે છે. એક દિવસ તેઓ પોતાના વતન પરત ફરશે. તેઓ ભારતીયો છે.
POKમાં રહેતાં લોકો ભારત પાછા ફરશે
નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આપણા પોતાના લોકો રહે છે. તેમાંના મોટાભાગના લોકોનું ભારત સાથે ઊંડુ જોડાણ છે. લાગણી છે. અમુક લોકો જ પાકિસ્તાન સાથે જવા માગે છે. અમને વિશ્વાસ છે, આપણા ભાઈઓ જેઓ આજે રાજકીય અને ભૌગોલિક દ્રષ્ટિએ આપણાથી અલગ છે. તેઓ પોતાના સ્વાભિમાન, આત્માના અવાજ અને સ્વેચ્છાએ ભારતની મુખ્ય ધારામાં પરત ફરશે.
ભારત હંમેશા દિલોને જોડવાનું કામ કરે છે
રાજનાથ સિંહે આગળ કહ્યું કે, ભારત હંમેશા દિલોને જોડવા મુદ્દે વાત કરે છે. તે પ્રેમ, એકતા, સત્યમાં માને છે. હવે એ દિવસ દૂર નથી, જ્યારે આપણો હિસ્સો POK પરત મેળવીશું. તે કહી રહ્યું છે કે, હું ભારત છું અને ભારતમાં જોડાઈશ.
આ પણ વાંચોઃ વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો
ભારતની નવી વૉરફેર ટેક્નોલોજી
સંરક્ષણ મંત્રીએ આગળ દેશની સંરક્ષણ તાકાતને દર્શાવતાં કહ્યું કે, ભારતની સંરક્ષણ નિકાસ 23500 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. આજે માત્ર ફાઈટર પ્લેન તથા મિસાઈલ સિસ્ટમ જ નહીં પણ આપણે ન્યૂ એજ વૉરફેર ટેક્નોલોજી વિકસિત કરી રહ્યા છીએ. ઓપરેશન સિંદૂરમાં જોવા મળેલી આપણી સ્વદેશી સંરક્ષણ તાકાતથી વિશ્વ ચોંકી ઉઠ્યું છે. ભારત એઆઈ, સાયબર ડિફેન્સ, અનમેન્ડ સિસ્ટમ, સ્પેસ આધારિત સિક્યોરિટી પર પકડ જમાવી રહ્યું છે.
આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ટીકા
આતંકવાદને રક્ષણ આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, “આતંકવાદનો ધંધો ચલાવવો ખર્ચ-અસરકારક નથી, પણ તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, જે આજે પાકિસ્તાન સમજી ગયુ હશે. અમે ભારતની વ્યૂહરચના અને આતંકવાદ સામે લડાઈ માટે પુનઃવ્યૂહરચના અને પુનઃવ્યાખ્યાયિત કર્યા છે. પાકિસ્તાન સાથે અમારી ભાગીદારી અને વાતચીતનો અવકાશ ફરીથી ગોઠવ્યો છે. હવે, જ્યારે પણ વાતચીત થશે, ત્યારે તે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ હશે.