Sanjay Raut On Pahalgam Terrorists: પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે, એક દિવસ આ છ આતંકવાદી ભાજપમાં જોડાઈ શકે છે, તેથી તેઓ પકડમાં આવી રહ્યા નથી. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતાં. ઘટનાને 38 દિવસ થયા હોવા છતાં આ હુમલામાં સામેલ છ આતંકવાદી પકડાયા નથી.
શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, પહલગામ હુમલાના છ આતંકવાદીઓની ધરપકડ એટલા માટે થઈ રહી નથી, કારણકે, તેઓ એક દિવસ ભાજપ કાર્યાલયની એક પ્રેસ નોટમાં મળી શકે છે. જેમાં જાહેરાત કરવામાં આવશે કે, આ છ લોકો ભાજપમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી જૂથ ટીઆરએફએ લીધી હતી. તેમણે પર્યટકોને ધર્મ પૂછી ગોળીથી વીંધી નાખ્યા હતાં.
ઓપરેશન સિંદૂરથી લીધો બદલો
ભારતે આ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં પર સાત મેના રોજ એર સ્ટ્રાઈક કરી 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. જેના ચાર દિવસ સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. જો કે, બાદમાં બંને દેશોએ સીઝફાયરને મંજૂરી આપી હતી. જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં સેના અને સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન થઈ રહ્યું હોવા છતાં પહલગામ હુમલાના હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.