Jamnagar : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં દરોડો પાડી રૂપિયા સાડા ત્રણ લાખની વિજ ચોરી પકડી પાડી છે. ઉપરાંત પૂર્વ પૂર્વ કોર્પોરેટરના મકાનમાંથી રૂપિયા 90,000તેમજ અન્ય એક સાગરીતના મકાનમાંથી 4.34 લાખની વિજ ચોરી પકડી લેવાઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર ફૂલ એક્શનમાં આવી ગયું છે, અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. જ્યારે વિજ તંત્રને સાથે રાખીને વિજ ચોરી ન સંદર્ભમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિપક્ષી કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી કે જેનું રહેણાંક મકાન પટણીવાડ વિસ્તારમાં આવેલું છે, જે સ્થળે સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ.ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા, અને વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને તપાસણી કરી હતી. જે દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજતંત્ર દ્વારા રૂપિયા 3,52,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાઘેર વાડા વિસ્તારમાં રહેતા પૂર્વક કોર્પોરેટર ગની ઉંમરભાઈ પટેલ ઉર્ફે ગની બસર, કે જેના રહેણાંક મકાનમાં પણ તપાસણી દરમિયાન રૂપિયા 90,000ની વીજ ચોરી પકડાઇ છે. જ્યારે તેઓના સાગરીત જુનેદ ચૌહાણ કે જેનું પણ પટણી વાડ વિસ્તારમાં મકાન આવેલું છે, તેના ઘરમાંથી રૂપિયા 4,34,000 ની વિજ ચોરી પકડાઇ છે.
સિટી એ.ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા માત્ર ત્રણ મકાનોમાંથી રૂપિયા 8,74,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. તેઓની સામે વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવ્યા છે.