મુંબઈ : માર્કટ પાર્ટિસિપન્ટસ-બજારના સહભાગીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ (એમએલ) એપ્લિકેશન્સ તેમ જ ટુલ્સ પર દેખરેખ-સુપરવિઝન તેમ જ નિયમન માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ માર્ગદર્શિકા-નિયમો પ્રસ્તાવિત કર્યા છે.
માર્કેટ પાર્ટિસિપન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એઆઈ, એમએલ ટુલ્સને નિયંત્રિત કરવા માર્ગદર્શિકા-નિયમો પ્રસ્તાવિત કરતું સેબી
આ સૂચિત માર્ગદર્શિકા જવાબદારીપૂર્વકના ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાઓ અને નિયંત્રણ પ્રણાલીઓને સ્પષ્ટ કરવાનો હેતુ ધરાવે છે. પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં ઘણા માપદંડો જેમ કે શિસ્ત-ગવર્નન્સ, રોકાણકાર સુરક્ષા, ડિસ્કલોઝર, ટેસ્ટિંગ ફ્રેમવર્ક્સ, ન્યાયીતા અને પૂર્વગ્રહ તેમ જ ડેટા ગોપનીયતા અને સાયબર સુરક્ષા પગલાં સહિતને આવરી લેવાયા છે.
હાલમાં, સ્ટોક એક્સચેન્જ, બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સર્વેલન્સ, સોશિયલ મીડિયા એનાલિટિક્સ, ઓર્ડર એક્ઝિક્યુશન, કેવાયસી પ્રોસેસિંગ અને ગ્રાહક સપોર્ટ જેવા વિવિધ હેતુઓ માટે એઆઈ અને એમએલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
સેબીએ એ પ્રસ્તાવિત કર્યું છે કે, બજારના સહભાગીઓ અલ્ગોરિધમિક ટ્રેડિંગ, એસેટ મેનેજમેન્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને સલાહકારી સેવાઓ જેવી કામગીરીમાં એઆઈ અને એમએલ ટુલ્સનો ઉપયોગ જાહેર કરે. ડિસ્કલોઝર્સમાં જોખમો, મર્યાદાઓ, ખરાઈ-ચોક્કસ પરિણામો, ફી અને ડેટા ગુણવતા અંગેની માહિતી પણ સામેલ હોવી જોઈએ.
એઆઈ અને એમએલનો ઉપયોગ કરતાં માર્કેટ પાર્ટિસિપન્ટસે આ સાધનોના પર્ફોમન્સ અને નિયંત્રણની દેખરેખ રાખવા માટે ટેકનિકલ કુશળતા ધરાવતા વરિષ્ઠ મેનેજમેન્ટને નિયુક્ત કરવાની જરૂર પડશે. તેમણે મોડેલ્સની માન્યતા, દસ્તાવેજીકરણ અને અર્થઘટનક્ષમતા પણ જાળવી રાખવી પડશે. વધુમાં, તેમણે સમયાંતરે ચોક્સાઈના પરિણામો અને ઓડિટ તારણો સેબી સાથે શેર કરવાની જરૂર પડશે.
નિયામક તંત્રએ ડેટા માલિકી, એક્સેસ નિયંત્રણો અને એન્ક્રિપ્શન સહિત ડેટા ગવર્નન્સ ધોરણોને વ્યાખ્યાયિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે. સેબીએ એ પણ નોંધ્યું છે કે, એઆઈ અને એમએલ ટુલ્સે ગ્રાહકોના કોઈપણ ગુ્રપની તરફેણ અથવા ભેદભાવ ન કરવા જોઈએ.