મુંબઈ : સમાપ્ત થયેલા જૂનમાં નિકાસમાં ઝડપી વધારાના ટેકા સાથે દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધવાને કારણે રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળી હોવાનું ખાનગી સર્વેમાં જણાવાયું હતું.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જૂનમાં ૫૮.૪૦ રહ્યો છે જે મેમાં ૫૭.૬૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.જૂનમાં સતત ૪૮માં મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું વિસ્તરણ થયું છે.
છેલ્લા વીસ વર્ષથી જ્યારથી સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી નિકાસ ઓર્ડરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. ઉત્પાદકો દ્વારા કાચા માલની ખરીદીમાં વધારો થયો છે, જેને પરિણામે ઉત્પાદન એકમો ખાતે સ્ટોકસમાં વધારો થયો છે.
૨૦૨૪ના એપ્રિલ બાદ, ઉત્પાદન વોલ્યુમ્સમાં ઝડપી વધારો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. માગ તથા વેચાણમાં વૃદ્ધિને કારણે ઉત્પાદન વોલ્યુમ ઊંચુ જોવા મળ્યું છે.
નિકાસ ઓર્ડરમાં માર્ચ, ૨૦૦૫ બાદ ત્રીજો મોટો વધારો થયો છે. માર્ચ ૨૦૦૫થી પીએમઆઈ રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરાયું છે. નવા નિકાસ ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થવાને પરિણામે કંપનીઓ ખાતે ફિનિશ્ડ સ્ટોકસની ઈન્વેન્ટરી ઘટી રહી છે.
નિકાસ ઓર્ડરમાં વધારો થવાને કારણે રોજગારમાં ઝડપી ગતિએ વધારો થયો છે. મોટાભાગના ઉત્પાદકો જેમનો સર્વે કરવામાં આવ્યો છે તેમણે ટૂંકા ગાળે ભરતી કરવાનું શરૂ કર્યું હતું.
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરવાની મુદત ૯ જુલાઈ નજીક આવી રહી હોવાને ધ્યાનમાં રાખતા નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે.