– નેપાળમાં છાંગુરના માણસો અને આઇએસઆઇના એજન્ટો વચ્ચે બેઠક મળી હતી
– છાંગુર સાથે જમીનના કરોડોના સોદા કરાવ્યા પણ મને કંઇ જ ના મળ્યું, બધુ બાબા લઇ ગયો : મોહમ્મદ ખાન
લખનઉ: ઉત્તર પ્રદેશ એટીએસએ ગેરકાયદે ધર્માંતરણનું રેકેટ ચલાવવાના આરોપી છાંગુર બાબાની ધરપકડ કરી હતી, જોકે છાંગુર બાબાને લઇને દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે છાંગુર બાબાનું કનેક્શન સામે આવ્યું છે. આ ઉપરાંત દેશ વિરોધી કૃત્ય માટે છાંગુર ૧૦૦૦ મુસ્લિમ યુવકોની ફૌજ તૈયાર કરવાની ફિરાકમાં હતો. જેનો ઉપયોગ તે લવ જેહાદ માટે કરવા માગતો હતો.
છાંગુરે લવ જેહાદ માટે રૂપિયા આપીને એક હજાર યુવકોને તૈયાર કર્યા હતા, હિન્દુ યુવતીઓ નિશાના પર હતી
પ્રાપ્ત જાણકારી મુજબ છાંગુર બાબાએ ધર્માંતરણના નામ પર મોટુ નેટવર્ક ઉભુ કર્યું હતું, જેનો ઉપયોગ કરીને તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં પાકિસ્તાની દૂતાવાસમાં આઇએસઆઇના એજન્ટોની ગુપ્ત બેઠક મળી હતી જેમાં છાંગુર બાબાના નેપાળ કનેક્શન દ્વારા સંપર્કનો પ્રયાસ થયો હતો. છાંગુર બાબા હિન્દુ મહિલાઓનું ધર્માંતરણ કરાવીને તેને આઇએસઆઇ એજન્ટો અને સ્લીપર સેલને સોંપી દેવા માગતો હતો. આ મહિલાનો ઉપયોગ બાદમાં જાસૂસી નેટવર્કમાં કરવામાં આવનારો હતો. એટલુ જ નહીં છાંગુર બાબાએ લવ જેહાદ માટે ૧૦૦૦થી વધુ મુસ્લિમ યુવકોને તૈયાર કર્યા હતા, જે માટે યુવકોને મોટી રકમ પણ પહોંચતી કરાઇ હતી.
છાંગુર બાબાની આ જાળ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલી હતી. આ પુરા નેટવર્કને તે વિદેશી ફન્ડિંગ દ્વારા મજબૂત બનાવતો હતો. જોકે છાંગુર બાબાની આસપાસના લોકો હવે નવા રાજ ખોલવા લાગ્યા છે. છાંગુર બાબાના ખાસ ગણાતા મોહમ્મદ અહમદ ખાને મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું ખુદ છાંગુર બાબાથી કંટાળી ગયો છું, છાંગુરે મારા નામની કરોડો રૂપિયાની જમીન બળજબરીથી હડપી લીધી છે.
કરોડોની ડીલમાં હું તેનો ભાગીદાર રહ્યો પરંતુ બાબાએ જમીન અને રૂપિયા બન્ને દબાવી લીધા. આ સાથે જ છાંગુર બાબાના ૧૮ બેન્ક ખાતાનો પણ ખુલાસો થયો છે, જેમાં ૬૮ કરોડની લેનદેન થઇ હતી. બાબાના ખાતામાં વિદેશથી બહુ રૂપિયા જમા થયા હતા. જેનો ઉપયોગ તે ગરીબોને રૂપિયાની લાલચ આપી ધર્માંતરણ માટે કરતો હતો. છાંગુરની હાલ યુપી એટીએસ ઉપરાંત ઇડી દ્વારા પણ તપાસ થઇ રહી છે.