– કાલોલના અંબાલા ખાતે નર્મદા કેનાલ પાસે
– 3 વર્ષ અગાઉ ઝાડીમાંથી યુવતીની સડી ગયેલી લાશ મળી હતી : કોર્ટે આરોપી પતિને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો
કાલોલ : કાલોલ પોલીસ મથક વિસ્તારના અંબાલા ખાતે નર્મદા કેનાલ પાસે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
ગત તા.૨૭-૧-૨૨ ના રોજ કાલોલ પોલીસ વિસ્તારની હદમાં અંબાલા ગામની સીમમાં આવેલી નર્મદા મુખ્ય કેનાલ પાસે ઝાડી ઝાંખરામાંથી બિનવારસી અને સળી ગયેલ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. મૃતક યુવતીના લાશની પોલીસે કરેલી જાહેરાતને આધારે તે લાશ ડેસર તાલુકાના અંદરખીયા ગામની દક્ષાબેન રમણભાઈ ચૌહાણ (ઉ.વ ૩૫)ની હતી. મૃતક યુવતીના ભાઇ મનહર રમણભાઈ ચૌહાણે કાલોલ પોલીસ મથકે દાખલ કરેલી ફરિયાદ મુજબ દક્ષા ચૌહાણ તા.૨૨/૧/૨૨ના રોજ અંદરખીયાથી નીકળી તેની મોટી બેન પાસે વડોદરા આવી હતી. તા.૨૩ ના રોજ અંદરખીયા જવા માટે બસમાં બેસી નીકળી હતી પરંતુ તે વડોદરાથી નીકળ્યાના પાંચ દિવસ પછી અંબાલા સ્થિત નર્મદા કેનાલ પાસેથી તેની લાશ મળી આવી હતી.પરિવારજનોએ દક્ષાએ કરેલા રજીસ્ટર મેરેજ મુજબ તેના પતિ સંજય ઉર્ફે ચીચીયો નરવતભાઈ પરમાર (ઉ.વ ૩૨), (ધંધો મજુરી) (હાલ રહે.કાંકણપુર, તળપદ ફળીયુ, તા.ગોધરા) અને (મૂળ રહે. સાંગોલ, તા.ગળતેશ્વર, જી.ખેડા) સામે શંકા જતાં સંજય પરમાર સામે ફરિયાદ નોંધાવતા કાલોલ પોલીસે ૩૧/૧/૨૨ના રોજ સંજય પરમારની અટકાયત કરી હતી. હાલોલ સ્થિત એડીશનલ સેશન્સની ત્રીજી કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી પતિ સંજયભાઈ ઉર્ફે ચીચીયો નરવતભાઈ પરમારે પત્નીની હત્યા કરી હોવાના ગુનામા કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી રૂ.૨૫ હજારનો દંડ કર્યો છે.