વડોદરા, તા.26 કરજણના રૃા.૧.૭૭ કરોડના દારૃના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણની સંડોવણી બહાર આવતા તેને સસ્પેન્ડ કરી જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
રૃા.૧.૭૭ કરોડનો દારૃ ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગત રવિવારે રાત્રે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમા એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી ટેન્કર ઝડપી પાડી ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ (રહે. કકરાલા, તા.સેડવા,જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડતા કરજણમાં ગુનો દાખલ થયો હતો.
દરમિયાન એસએમસીને એવી જાણકારી મળી હતી કે, આ ટેન્કરને ભરૃચ ખાતે રોકી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે રૃા.૧૫ લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં એસએમસીના જ કોન્સ્ટેબલ સાજણ આહિરની સંડોવણી બહાર આવતા એસએમસીની ટીમ દ્વારા તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કરજણના ગુનામાં તેની સંડોવણી જણાઇ આવતા કોન્સ્ટેબલ સાજણ વિરાભાઇ વસરા (આહિર) (રહે. જે.કે.વી. નગર -૪, જામનગર રોડ, જામ ખંભાળીયા,જિ. દેવભૂમિ દ્વારકા, મૂળ રહે.મેન બજાર, વાડી વિસ્તાર, લાલપરડા ગામ,તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા) ને કરજણ પોલીસ સ્ટેશનના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો.
સાજણ વસરા ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ ( રહે. સીકર, રાજસ્થાન) ને મદદરૃપ થઇ આર્થિક લાભ મેળવતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જરૃરી પુરાવાઓ એકત્રિત કરી ગુજસીટોકના ગુનામાં પણ સાજણ વસરાનું નામ આરોપી તરીકે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કરજણના પ્રોહિબિશનના ગુનામાં આજે સવારે સાજણની ધરપકડ કરી સાંજે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે રૃા.૧૫ લાખની તપાસના પુરાવા મેળવવાના છે, નાણાંકીય વ્યવહારો તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે નહી તેની તપાસ કરવાની છે.