સરકારી-ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી
રોગચાળાને નાથવા પાલિકા તંત્ર, આરોગ્ય તંત્ર સ્વાસ્થ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરે તેવી લોક માંગણી
મ્યુ.કાઉન્સિલરના પતિ સહિત ઘરના ચાર સભ્ય રોગાચાળામાં સપડાયા
ધોળકા – ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરની સરકારી તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રોગચાળાને નાથવા પાલિકા તંત્ર, આરોગ્ય તંત્ર સ્વાસ્થ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
ધોળકા શહેરના મોટાભાગના વિસ્તારમાં હાલ ચોમાસાની સિઝનમાં વધી ચુકેલી ગંદકી, જ્યાં ત્યાં ભરાયેલા વરસાદી દૂષિત પાણી, ઊભરાતી ગટરો સહિતની અનેક સમસ્યાઓ ઘર કરી ગઇ છે. પાલિકા તંત્ર શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરી ગંદકી દૂર કરાવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવી શહેરને ગંદકી રહિત કરવા કામ હાથ ધરી દીધુ છે. પરંતુ સફાઇ ઝુંબેશ હાથ ધરાય તે પહેલાની ફેલાઇ ચુકેલી ગંદકીના ગંભીર પરિણામનો શહેરીજનોને ભોગવવાનો વારો આવી ચડયો છે.ધોળકા શહેરમાં ખાનગી અને સરકારી દવાખાનાઓમાં મોટી સંખ્યામાં વિવિધ બિમારીઓની સારવાર માટે આવી રહ્યાં છે.
શહેરમાં વકરી રહેલા રોગચાળાનો ભોગ શહેરીજનો સહિત ધોળકા નગરપાલિકાના હાલના મ્યુ.કાઉન્સિલરના પતિ અને અગાઉ ધોળકા નગરપાલિકાના પ્રમુખ હરીશભાઇ પરમાર પણ બની ચુક્યાં છે. તેમના ઘરમાં ત્રણ જેટલા વ્યક્તિઓ રોગચાળાનો ભોગ બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફેલાઇ ચુકેલી ગંદકીના કારણે લોકો વિવિધ બિમારીઓના ભોગ બની રહ્યાં છે. શહેરમાં હાલ વાઇરલ ઇન્ફેક્શન, મલેરિયા, કળતર, શરદી-ખાંસી, ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, ગળામાં દુખાવોસ સિઝનલ ફ્લુ, એકઆતરીયો તાવ જેવા અનેક રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ખાસ કરીને પાણીજન્ય રોગચાળો તથા મચ્છરજન્ય રોગચાળો ધીરેધીરે વકરી રહ્યો છે. જેથી સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓ સરાવર અર્થે આવી રહ્યાં છે. આ ગંભીર પરિસ્થિતને ધ્યાને લઇ રોગચાળા ઉપર નિયત્રંણ મેળવવા પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે અસરકારક સફાઇ ઝુંબેશ હાથ ધરાવી મચ્છરોેના ઉપદ્રવને નાથવા અસરકારક જંતુનાશક દવાનો છંટકાવ કરાવે તે અત્યંત જરૃરી છે. ધોળકા આરોગ્ય વિભાગ પણ શહેરમાં વકરી રહેલા રોગચાળાને નાથવા જરૃરી સ્વાસ્થ્ય સુવિધા સહિતની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગણી ઉઠી છે.