કર્મચારીઓએ પડતર માંગોને આવેદન પત્ર આપ્યું
સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ નહીં મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
સુરેન્દ્રનગર: પાટડીમાં આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓએ પડતર માંગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ હડતાળ દરમ્યાન પાટડી પોલીસે ૧૦ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માગણીઓને લઇને સરકાર સામે બાંયો ચડાવી છે. પાટડી તાલુકાના આરોગ્ય વિભાગના એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ. સુપરવાઈઝર અને એમ.પી.એચ.એસ.ના વર્ગ-૩ ના કર્મચારીઓ દ્વારા ટેકનીકલ કેડરમાં સમાવેશ કરવો, ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ્દ કરવી સહિતની પડતર માંગોને લઇ વિવિધ કાર્યક્રમો આપી લડત ચલાવી રહ્યાં છે. આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓએ પડતર માંગો અંગે દસાડા તાલુકા હેલ્થ કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ કર્યો હતો. જે દરમ્યાન પાટડી પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ અંદાજે ૧૦થી વધુ કર્મચારીઓની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને થોડા સમય બાદ તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને ૧લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ ૫મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. ૭મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ ૧૭ માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.