AI Image
No Cameras in Cockpits: 12 જૂન, 2025ના રોજ અમદાવાદ ખાતે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 પ્લેનની કોકપિટમાં બે પાયલટ વચ્ચે થયેલો આ છેલ્લો સંવાદ હતો. ‘એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા’ (AAIB) દ્વારા અકસ્માતના એક મહિના પછી જાહેર કરાયેલા વચગાળાના અહેવાલમાં ખુલાસો કરાયો હતો કે ઉપરોક્ત વાતચીત ફ્લાઇટના ઓડિયો રેકોર્ડરમાંથી મળી આવી હતી. આ અહેવાલે દાયકા જૂની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે કે, વિમાનના કોકપિટમાં પાયલટ વચ્ચેની વાતચીતનું વોઇસ રેકોર્ડિંગ કરાતું હોય તો પછી વીડિયો રેકોર્ડિંગ કેમ નથી કરાતું? દુનિયાભરમાં બસ, ટ્રક, ઓફિસ અને જાહેર સ્થળોએ સુરક્ષા કેમેરા હોય છે, તો વિમાનોમાં કેમ નહીં? વિમાનમાં તો ખાસ હોવા જોઈએ, કેમ કે એના પાયલટનું કામ વધુ જવાબદારીભર્યું છે.
શા માટે કોકપિટમાં કેમેરાની માગ કરાય છે?
અકસ્માત પહેલાંના કટોકટીભર્યા સમયનું વીડિયો રેકોર્ડિંગ થયું હોય તો અકસ્માતના કારણો જાણી શકાય અને ભવિષ્યમાં ફરી એવું ન બને એની તકેદારી રાખી શકાય. આમ થવાની હજારો જિંદગી બચી શકે એમ છે. આવા રેકોર્ડિંગ દ્વારા પાયલટના નિર્ણયો અને સ્થિતિ અંગે સ્પષ્ટતા મળતાં એ ભવિષ્યના પાયલટની ટ્રેનિંગને બહેતર બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ફક્ત વોઇસ રેકોર્ડિંગથી અકસ્માત પાછળ માનવીય ભૂલ હતી કે ટેક્નિકલ ખામી, એ જાણવું મુશ્કેલ થઈ પડે છે. જો વીડિયો પુરાવા હોય તો સ્પષ્ટ કારણ જાણી શકાય એમ છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે (NTSB) છેક 1989થી વિમાનના કોકપિટમાં કેમેરા ફરજિયાત કરવા પ્રયત્નશીલ છે, પરંતુ તેને તેને સફળતા નથી મળી.
કોકપિટમાં કેમેરા લગાવવાનો પાયલટ્સનો જ વિરોધ
કોકપિટમાં કેમેરા લગાવવા માટે સૌથી મોટો વિરોધ પાયલટ્સ તરફથી જ આવે છે. એકથી વધુ કારણો આગળ ધરીને પાયલટ્સ વર્ષોથી આ કામ રોકી બેઠા છે.
1) પાયલટ્સની પ્રાઇવસીનો ભંગ
પાયલટ્સનું કહેવું છે કે સતત કેમેરાની સામે રહેવું એ તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. એ હકીકત છે કે કોઈ તમારા પર ચાંપતી નજર રાખીને બેઠું છે એનો તમને ખ્યાલ હોય તો તમે સ્વાભાવિકપણે વર્તન ન કરી શકો. તેથી ડિજિટલ નજર પાયલટ્સને પ્રાઇવસીનો ભંગ લાગે છે.
2) માનસિક દબાણ વધે છે
પાયલટ્સનું કહેવું છે કે કેમેરાને લીધે તેમના પર માનસિક દબાણ વધે છે. એ પણ હકીકત છે કે જો કોઈ સતત તમારા કામ પર નજર રાખીને બેઠું હોય તો તમે કામ કરતી વખતે સતત સારું પરફોર્મ કરવાનું દબાણ અનુભવતા હો છો. કશીક ભૂલ થશે તો એના રેકોર્ડિંગને લીધે નોકરી જોખમમાં આવી પડશે, ઉપરી અધિકારીનો ઠપકો મળશે, એવો ડર પણ પાયલટ્સ અનુભવી શકે છે. આ ઉપરાંત પાયલટની એકેએક હરકત અને નિર્ણયો કેમેરામાં રેકોર્ડ થતા હશે તો એ હકીકત પાયલટની હિંમત પર અસર કરશે અને કટોકટીમાંથી બહાર આવવા માટે તેઓ અમુકવાર નિયમોનો ભંગ કરીને નિર્ણયો લેતા હોય છે, એવું નહીં કરી શકે અને છેવટે ટાળી શકાય એવી દુર્ઘટનાનો અંત પણ અકસ્માતમાં આવી શકે છે.
3) દુર્ઘટનાના ફૂટેજ લીક થવાનો ભય
પાયલટ્સનું કહેવું છે કે, કોકપિટનું રેકોર્ડિંગ થતું હોય તો દુર્ઘટનાના ફૂટેજ લીક થવાનો ભય છે. આમ થયું તો પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મુસાફરોના પરિવારો એ ફૂટેજ જોઈને વધુ આઘાત પામશે. સ્વજનના મોતની છેલ્લી ઘડીઓ જોઈને કોઈની તબિયત બગડે અને હાર્ટ એટેક જેવી અપ્રિય ઘટના પણ બને, એવી શક્યતા ખરી. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે અકસ્માતગ્રસ્ત ફ્લાઇટનું ઓડિયો રેકોર્ડિંગ લીક થઈ ગયું હોય. તેથી વીડિયો રેકોર્ડિંગ લીક થવાની ભીતિ સાવ અસ્થાને તો નથી જ. અને એક વાર આવું ફૂટેજ લીક થયું તો સોશિયલ મીડિયાના અવિચારી યુઝર્સના પાપે તે વાયરલ થતા પણ વાર નહીં લાગે.
4) ફૂટેજનો ખોટો અર્થ કઢાશે
પાયલટ્સને એવો ડર પણ છે કે, કોકપિટના ફૂટેજનો ખોટો અર્થ કઢાશે. બે પાયલટ્સ વચ્ચે ઘણીવાર સ્પષ્ટ શબ્દોને બદલે સંકેતોથી અને અંગભાષાથી પણ સૂચનાની આપ-લે થતી હોય છે, જેનો પાયલટ્સ ન હોય એવા લોકો ખોટો અર્થ કાઢે એવું બની શકે છે. પરિણામે દુર્ઘટનાનો દોષ પાયલટ્સના માથે ઢોળવામાં આવી શકે છે.
પાયલટ સંગઠનોનું દબાણ સફળ નથી થવા દેતું
કોકપિટમાં કેમેરા ન લગાવવા બાબતે દુનિયાભરના પાયલટ સંગઠનો એકમત છે. આવા સંગઠનો અંદરખાને મજબૂત લોબિંગ કરીને NTSB જેવી સંસ્થાઓની માંગ પૂરી થવા નથી દેતાં. પાયલટ્સનું કહેવું છે કે હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે પાયલટના કામ પર ભરોસો રાખીને આગળ વધવાની પરંપરા છે, એને જેમની તેમ જાળવી રાખવી જોઈએ.
ચીન પહેલ કરી રહ્યું છે
વિમાનમાં કેમેરા લગાડવા ટેક્નિકલી કોઈ મુશ્કેલ નથી. એમાં વિમાન નિર્માણનું બજેટ વધી જાય એવો ડર પણ નથી હોતો. આમ છતાં યુરોપ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશોની એરલાઇન્સ પણ પાયલટ્સ સંગઠનોની વિરુદ્ધ જઈને આ બાબતે આજ સુધી કંઈ કરી શકી નથી. પણ, કોઈની તમા ન રાખનારું ચીન પાયલટ્સ સંગઠનોની માગ બાજુ પર મૂકીને નવા વિમાનોની કોકપિટમાં કેમેરા સામેલ કરવા જઈ રહ્યું છે.
બ્લેક બોક્સમાં શેનું રેકોર્ડિંગ થાય છે?
હાલમાં વિમાનના બ્લેક બોક્સમાં બે પ્રકારના રેકોર્ડિંગ થાય છે: એક ‘વોઇસ રેકોર્ડર’, જે કોકપિટની વાતચીત અને અવાજ સાચવે છે, જ્યારે બીજું ‘ફ્લાઇટ ડેટા રેકોર્ડર’ જે વિમાનના સેન્સર ડેટા સાચવે છે. જો કેમેરા લગાવ્યા હોય તો દુર્ઘટનાના દૃશ્ય પુરાવા પણ મળે જેને લીધે અકસ્માતના કારણોની તપાસ વધુ સરળ બને.
પાયલટ્સનો વિરોધ ઝાઝો નહીં ટકે
વિમાનની કોકપિટમાં કેમેરા લગાવવાની માગ એટલી મજબૂત બની રહી છે કે આ મુદ્દે પાયલટ્સનો વિરોધ હવે ઝાઝો નહીં ટકે એવું લાગી રહ્યું છે, કેમ કે એક સમયે પાયલટ્સે વોઇસ રેકોર્ડરનો પણ વિરોધ કર્યો હતો. આજે તે દરેક વિમાનમાં ફરજિયાત છે. આવું જ કોકપિટ કેમેરા માટે પણ થશે એવું લાગી રહ્યું છે.