India Flight Emergency Landing: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ દેશભરમાં વિમાનમાં ખામી અને ઈમરજન્સી લેન્ડિંગના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે બુધવારે (16મી જુલાઈ) ઈન્ડિગોની ફ્લાઇટ રાત્રે 8 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ રાત્રે 9:42 વાગ્યે ગોવામાં ઉતરવાની હતી. પરંતુ એક એન્જિનમાં ખામી સર્જાતા ફ્લાઈટને મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. જો કે, ઈમરજન્સી લેન્ડિંગ પહેલાં પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને PAN…PAN…PANનો મેસેજ મોકલ્યો હતો. ત્યારે એ જાણીએ કે PAN મેસેજ અર્થ શું હોય છે….
PAN મેસેજ ક્યારે મોકલવામાં આવે છે?
અહેવાલો અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6271 દિલ્હીથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ફ્લાઈટના એક એન્જિનમાં ખામી સર્જાતા તેનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એન્જિનમાં ખામી સર્જાવાના કારણે પાયલટે એટીસીને PAN..PAN.. મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ ઈમરજન્સી સિચ્યુએશન દરમિયાન મોકલમાં આવે છે. આ મેસેજ દ્વારા એટીસીને જાણ કરવામાં આવે છે કે વર્તમાન પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ જીવલેણ નથી.
PAN મેસેજ પછી શું સિચ્યુએશન હોય છે
વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ પહેલાં પાયલટે મોકલેલો PAN મેસેજ એક કોડ છે, જેમાં વર્તમાન સિચ્યુએશનમાં એટીસીને મદદ માંગવામાં આવે છે. PAN શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘panne’ પરથી આવ્યો છે, જે સમસ્યા દર્શાવે છે. ફ્લાઈટમાં વિવિધ સિચ્યુએશન માટે કોડ બનાવવામાં આવ્યા છે. આ PAN કોડનો અર્થ ફ્લાઈટને લેન્ડિંગ માટે તાત્કાલિક રનવે આપવા માટે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના એક મહિના અગાઉ જ CAA-UKએ ફ્યુલ સ્વિચ અંગે આપી હતી ચેતવણી, મોટો ખુલાસો
PAN અને MAYDAY કોલમાં શું ફરક હોય છે?
પાન મેસેજ મેડે કોલ (Mayday Call)થી અલગ હોય છે. કોઈપણ ફ્લાઇટમાં મેડે કોલ એક ઈમરજન્સી મેસેજ હોય છે. જ્યારે પાયલોટ કોઈ ગંભીર સંકટમાં હોય છે અને મુસાફરોના જીવ જોખમમાં હોય છે, ત્યારે પાયલોટ મેડે કલ મેસેજ મોકલે છે. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, આકાશમાં ટક્કરનો ખતરો અથવા હાઈજેક જેવી સ્થિતિ વખતે પાયલટ આ મેસેજ મોકલતા હોય છે.
પાયલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના એરપોર્ટને ફ્લાઈટને મદદની જરૂર હોવા માટે એલર્ટ કરે છે. મેડે કોલ આવતાં જ જે-તે કંટ્રોલરૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તમામ સંસાધનોને મદદમાં લગાવી દે છે, જેમ કે ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી, રનવે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તહેનાત રાખવા… મહત્ત્વની વાત એ છએ કે, જ્યારે સ્થિતિ વધુ ગંભીર ન હોય, પરંતુ ચિંતા જેવી હોય તો પાયલોટ PAN…PAN.. કોલ કરે છે, જે મેડેથી ઓછી ગંભીર માનવામાં આવે છે.