જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક સોયલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એક પર પ્રાંતિય કારચાલક યુવાનને પાછળથી અન્ય કારમાં આવેલા ત્રણ ફાયનાન્સરોએ ઠોકર મારી અકસ્માત કર્યા પછી કાર સિઝ કરી લીધી હતી, અને ખિસ્સામાંથી 35,000 રૂપિયા ઝુંટવી લીધા હતા. તેમજ કાર છોડાવવા માટે તેની પત્ની પાસેથી ઓનલાઈન 40,000 રૂપિયા પડાવી લીધા હતા, અને તે રકમ અકસ્માતની નુકસાનીના મેળવ્યા છે, તેમ જણાવી ધાક ધમકી આપી હતી. જેથી માગલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનનો વતની રાહુલ રંજન ચંદ્રવંશી વિજયકુમાર રાજપુત નામનો 31 વર્ષનો યુવાન ગત 13 તારીખે બપોરના સમયે પોતાની કાર લઈને ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ફાઇનાન્સ કંપનીની કાર સીઝરનું કામ સંભાળતા જયપાલસિંહ ઝાલા ઉપરાંત તેની સાથેના બ્રિજરાજસિંહ અને વસીમ સહિતના ત્રણ શખ્સોએ સૌપ્રથમ પોતાની કાર સાથે પાછળથી અન્ય કાર અથડાવી દઈ અકસ્માત કર્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સો એ રાહુલ રંજનની કારમાં આવીને બેસી ગયા પછી તેને માર માર્યો હતો, અને તેના ખિસ્સામાંથી 35,000 રૂપિયા ઝુંટવી લીધા હતા.
ઉપરાંત મોબાઇલ ફોન કરીને તેની પત્ની પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે વધુ 40,000 પડાવી લીધા હતા, અને કારમાં થયેલી નુકસાની પેટે રકમ માંગી છે, તેમ જણાવી દીધું હતું. અને કાર સિઝ કરીને ત્રણેય ભાગી છૂટ્યા હતા.
જેથી આ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રાહુલ રંજન રાજપૂત દ્વારા ત્રણેય આરોપીઓ જયપાલસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ અને વસીમ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.