Gambhira Bridge Corporation : ગંભીરા પુલ દુર્ઘટના ઉપરાંત ખાડાખૈયાવાળા રોડને કારણે જનઆક્રોશ ભભૂક્યો છે. વિપક્ષના ભાવતું ભોજન મળ્યુ છે. આ જોતાં સરકાર રીતસર દોડતી થઇ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોનો રોષ ઠારવા મથામણ કરવામાં આવી રહી છે જેના ભાગરુપે અમદાવાદ, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓને ગાંધીનગરનું તેડુ આવ્યુ હતું. સીએમ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગ્રાન્ટનો હિસાબ માંગી કોર્પોરેટરોનો કલાસ લેવાયો હતો.
પુલ દુર્ઘટના બાદ લોકજુવાળ ઉભો થતાં સરકાર દોડતી થઇ, સીએમ હાઉસમાં બેઠકોનો દોર જામ્યો
ચોમાસાએ સરકારની પોલ ઉઘાડી પાડી છે કેમકે, એક જ વરસાદમાં રસ્તા ધોવાયાં છે. જર્જરીત પુલ પાાના મહેલની જેમ પડી રહ્યાં છે. આ ઉપરાંત રસ્તામાં હજારો ખાડાઓએ ભ્રષ્ટાચારની ગવાહી આપી છે ત્યારે લોકોમાં સરકાર પ્રત્યે આક્રોશ ભભૂક્યો છે. સરકાર સામે મોરચો માંડી વિપક્ષો મેદાને આવતાં જનપ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે પરિણામે લોકજુવાળ જોઇ સરકાર દોડતી થઇ છે.
શહેરો જ નહીં, હાઇવે પરના રસ્તાનું જોરશોરથી સમારકામ થઇ રહ્યુ છે. આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકામાં ચૂંટણીને ઘ્યાનમાં રાખી લોકોનો રોષ ખાળવા મથામણ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ વડોદરા સહિત અન્ય મહાનગરપાલિકાના કોર્પોરેટરો-ધારાસભ્યોને તાકીદે ગાંધીનગર તેડાવાયાં હતાં.મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કોર્પોરેટરોને સવાલ કરાયો હતોકે, પ્રજાના મત મેળવીને ચૂંટાયા તો ખરા, પણ લોકો માટે ગ્રાન્ટ વાપરી કે નહી? એનું શું કર્યું ? પ્રજાલક્ષી શું કામો કર્યાં ? તેનો હિસાબ આપો.
અધિકારીઓૅને પણ તાકીદ કરાઇ કે, પ્રજાની પ્રાથમિક સુવિધાને લગતાં તમામ કામોને તાત્કાલિક પૂરા કરો. જોકે, હાઇકમાન્ડે ભાજપના સાંસદોને સલાહ આપવી જોઇએકે, ગ્રાન્ટનો પુરતો ઉપયોગ કરો. સરકારને હવે ભય પેઠો છેકે, લોકોમાં વિરોધ વંટોળ ઉભો થઇ રહ્યો છે તેના કારણે જ વિસાવદરમાં શામ,દામ દંડ ભેદની નીતિ અપનાવ્યા પછીય મતદારોએ ભાજપને જાકારો આપ્યો હતો.
જો આ સ્થિતિ રહી તો, આગામી ચૂંટણીમાં ભાજપને મોટુ નુકશાન થઇ શકે છે તેવા ભયના પગલે સરકારે રસ્તા-પુલોનુ યુઘ્ધના ધોરણે સમારકામ કરવાનું શરૂ કર્યુ છે. એટલું જ નહીં, ધારાસભ્યોને જ નહીં, સચિવ-અધિકારીઓને પણ એસી ચેમ્બર છોડીને ફિલ્ડમાં જવા ગાંધીનગરથી આદેશ કરાયો છે.