વડોદરા,ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ૯ દિવસ પછી પણ બ્રિજ પર લટકતી ટેન્કરને હજી ઉતારવામાં આવી નથી. જેના કારણે ટેન્કર માલિક મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તેઓએ આણંદ કલેક્ટર, મામલતદારને આ અંગે રજૂઆત કરી છે.
૯ મી જુલાઇએ પાદરા નજીકનો ગંભીરા બ્રિજ તૂટી પડયો હતો. જેમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને હજી ૯ દિવસ સુધી નીચે ઉતારાઇ નથી. ટેન્કરના માલિક રામાશંકરે જણાવ્યું છે કે, આ અંગે અમે આણંદ અને વડોદરા કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો. શરૃઆતમાં અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, નદીમાં રેસક્યૂની કામગીરી ચાલી રહી છે. તે પૂરી થયા પછી તમારી ટેન્કરનું કામ કરીશું. હવે રેસક્યૂની કામગીરી પૂરી થઇ ગઇ છે. આણંદ કલેક્ટર કચેરી દ્વારા એવા જવાબ આપવામાં આવ્યો છે કે, અમે ઘણી એજન્સીઓને આ અંગેની કાર્યવાહી કરવા કહ્યું હતું. પરંતુ, બ્રિજ જોખમી હોવાથી કોઇ કામ હમણા ઉતારી શકાય તેમ નથી. એકતરફ મારો ધંધો બંધ થઇ ગયો છે. ત્યારે બીજી તરફ લોનના હપ્તા પણ ભરી શકાય નહીં તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.