વડોદરા,રાજપીપળામાં અકસ્માતમાં સારવાર દરમિયાન બ્રેન ડેડ જાહેર થયેલા ખેત મજૂરી કરતા શ્રમજીવી યુવકના અંગોનું દાન કરવા માટે પરિવાર સંમત થતા લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું છે.
રાજપીપળાના નાંદોદ તાલુકાના રૃઢ ગામે રહેતો ૩૬ વર્ષનો સતિષ શાંતિલાલ વસાવા ગત ૧૧ મી તારીખે સાંજે બાઇક લઇને જતો હતો. તે દરમિયાન રૃઢ ગામ નજીક જ બે બાઇક વચ્ચે અકસ્માત થતા સતિષને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સૌ પ્રથમ રાજપીપળા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. દર્દીના સગાઓને ડોક્ટર દ્વારા અંગદાન અંગે સમજ કરવામાં આવતા તેઓ તૈયાર થયા હતા. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર દ્વારા ઓર્ગન ડોનેશન અંગેની તૈયારી કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડો. દિપાલી તિવારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.દર્દીના લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી આવેલી ડોક્ટરની ટીમ દ્વારા ઓર્ગન ડોનેશનની સર્જરી કરવામાં આવી હતી. ઓર્ગન ઝડપથી અમદાવાદ પહોંચાડવા માટે પોલીસે ગ્રીન કોરિડોર કરી આપ્યો હતો.