વડોદરાઃ છોટાઉદેપુરના વેપારી પાસે ખરીદી કરી રૃ.૫૦૦ના દરની બોગસ નોટો પધરાવી ૫.૪૦ લાખની ઠગાઇ કરવાના કેસમાં સંડોવાયેલા અનિલ એન્થોનીના ફરાર સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પાનવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં વેપારી સાથે થયેલી ઠગાઇના બનાવમાં પોલીસે નામચીન અનિલ એન્થોની તેમજ તેના સાગરીતને પકડયા હતા.જે પૈકી દિપક નંદકિશોર શર્મા(મોતીભાઇ પાર્ક,ખોડિયાર નગર,વૈકુંઠ-૨ સામે,વડોદરા)ને રાજપીપળા જેલમાં રાખવામાં આવ્યો હતો.
ગઇ તા.૮-૨-૨૫ના રોજ દિપક શર્માને ત્રણ દિવસના જાત જામીન પર છોડવામાં આવ્યો હતો.પરંતુ ત્યારબાદ તે હાજર થયો નહતો.જેથી જેલ સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમને માહિતી મળતાં ખોડિયાર નગર પાસેથી દિપક શર્માને ઝડપી પાડયો હતો.દિપક સામે અગાઉ પણ લૂંટ,ચોરી,મારામારી,ફાયરિંગ જેવા ૧૦ જેટલા ગુના નોંધાયેલા હતા.