વડોદરા,શુક્રવાર: દુબઇથી રૃા.૧.૮૦ કરોડનો સોનાનો પાવડર
મોજામાં છુપાવી દુબઇથી ભારત લાવવાના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ જામીન અરજી
મુકતા અદાલતે ત્રણે આરોપીની જામીન અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતુ કે,
આરોપીઓ સામે પ્રથમદર્શી કેસ જણાય છે,અને પોલીસે આરોપીઓ સામે મની લોન્ડરિંગ એક્ટ અને કસ્ટમ એક્ટની કલમ લગાવી નથી જે
કલમો લાગુ પડતી હોવાનું જણાઇ રહ્યું છે.
કેસની વિગત એવી છે કે, મંજુસર પોલીસને બાતમી મળી હતી કે, કલાલી બીલ રોડ પર રહેતો અશોક રમણભાઇ
પ્રજાપતિ નામનો શખ્સ અલગ અલગ લોકોને દુબઇ મોકલે છે અને કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન
ભરવી પડે તે માટે લગેજ અને બેગમાં સોનું છુપાવી ભારતમાં ઘુસાડે છે. પોલીસને એવી પણ
બાતમી મળી હતી કે, અશોકે દુબઇ મોકલેલા બે શખ્સ સાવલી તરફ
આવવાના છે એટલે પોલીસે બાતમીના આધારે વિપુલ દશરથભાઇ પટેલ અને હરિશચંન્દ્ર અરવિંદ
સોલંકીને ઝડપી પાડયા હતા.
પોલીસે તેમનું લગેજ ચેક કરતા બેગમાંથી છ
મોજા મળી આવ્યા હતા અને તેમાં છુપાવવામાં આવેલ રૃા.૧.૮૧ કરોડનું પાવડર સ્વરુપમાં
સોનું તેમજ ૨૨૮૯ દીરહામ મળી આવ્યા હતા. તપાસમાં અમદાવાદ ખાતે રહેતા સુબુર આલમની પણ સંડોવણી સપાટી પર
આવી હતી.પોલીસે ત્રણે આરોપીના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી અને આરોપીના રિમાન્ડ
પુરા થતા ત્રણે આરોપીએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની
દલીલ સાંભળ્યા બાદ ત્રણે આરોપીની અરજી રદ કરી હતી.