Banaskanatha Rain Update: લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ગુજરાતમાં સક્રિય થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બે કલાકમાં બનાસકાંઠાના 9 તાલુકામાં મેઘમહેર
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 3.66 ઇંચ, પાલનપુરમાં 2.09 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ધાનેરામાં 1.6 ઇંચ, વડગામમાં 1.94 ઇંચ, અમીરગઢમાં 0.79 ઇંચ, થરાદમાં 0.63 ઇંચ, દાંતીવાડા અને ભાભરમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે. જો રાજ્યના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો 25 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
જળબંબાકારની સ્થિતિ
દાંતા ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં વધુ પડતા પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
આગળની આગાહી
હવામાન વિભાગ દ્વારા 26 થી 30 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ લાવી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.