– સરકારી તંત્રનું દળી દળીને ઢાંકણીમાં
– બાંધકામ, ઇલેક્ટ્રીકલ, પ્લમ્બીંગ, ગ્રીલ સહિતની બાબતો આવરી લેવાઈ પરંતુ ફર્નિચરના હજુ ઠેકાણા નથી
ભાવનગર : સિદસર તાલીમ ભવનમાં સરકારી બી.એડ. કોલેજ વર્ષોથી કાર્યરત છે. જ્યારે વિદ્યાર્થીની સુવિધા માટે કેમ્પસના ૧૫૮૧ સ્વેર ચો.મી.માં બી.એડ. કોલેજનું નવું બિલ્ડીંગ મંજૂર થયું હતું અને સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી હેઠલ ઓગસ્ટ-૨૪માં તૈયાર કરી સોંપાયું હતું. પરંતુ હજુ ઉદ્દઘાટન પણ નથી થયું ત્યાં બિલ્ડીંગના પાછળના ભાગે ફાઉન્ડેશનમાં અને બીજા માળના ઓરડાઓમાં તિરાડો પડી જવા પામી છે જે નબળી કામગીરીની ચાડી ખાય છે.
સિદસર તાલીમ ભવન ખાતે બીએડના બે વર્ષનો કોર્ષ ભણાવાય છે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળે તે હેતુ સાથે જૂના બિલ્ડીંગની પાછળની ખુલ્લી ૧૫૮૧ સ્વે.ચો.મી. જમીન પર જીસીઇઆરટી દ્વારા નવું બિલ્ડીંગ બનાવવા મંજૂરી આપી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરાઇ હતી અને ઓક્ટો.-૨૩માં બાંધકામ શરૂ થયું જે ઓગસ્ટ-૨૪માં પૂર્ણ થયું. ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે માળમાં કોન્ફરન્સ હોલ, સ્ટાફ રૂમ સહિત ૧૧ ઓરડા અને વોશ રૂમ સાથેનું આ બિલ્ડીંગ બકુલ કન્ટ્રક્શન એજન્સી દ્વારા સમગ્ર શિક્ષા કચેરીની દેખરેખ નીચે તૈયાર કરાયું હતું. પરંતુ ૧૦ મહિના જેવો સમય વિત્યો છે ત્યાં ઉદ્દઘાટન પહેલા જ પાછળના ભાગે ફાઉન્ડેશનમાં સળંગ મોટી તિરાડો પડી છે સાથે બીજા માળના ઓરડામાં પણ તિરાડો પડવા લાગી છે. જે નબળા કે ભુલ ભરેલા બાંધકામની સંભાવનાને ચરિતાર્થ કરે છે. જ્યારે બાંધકામ પૂર્ણ થયા બાદ સમગ્ર શિક્ષા એ ડાયટને આ બિલ્ડીંગ સોંપી પણ આપ્યું છે ત્યારે બાંધકામની ક્ષતિઓની નોંધ કેમ લેવાઇ નહી તેવા સવાલો ઉઠયા છે. હાલ ફર્નિચરના પણ કોઇ ઠેકાણા નથી હોલમાં ખુરશી કે જરૂરી વ્યવસ્થા પણ જોવા મળતી નથી ત્યારે દળી દળીને ઢાંકણીમાં નાખવાની વૃત્તિ સાબિત થાય છે.
તાલીમ કેન્દ્રમાં છાત્રાલય-ક્વાર્ટર ખંઢેર
સિદસર તાલીમ કેન્દ્રમાં આવેલ છાત્રાલય અને બે ક્વાટર્સ લાંબા સમયથી બંધ છે અને જર્જરિત બનતા નોનયુઝ જાહેર થયા છે તેને પાડવા રિમાઇન્ડર કરવા છતા જવાબદાર તંત્ર જાણે અકસ્માતની રાહ જોવે છે.
વરસાદી પાણી આવતા પ્લીંથ કોટેશન બેસી ગયું છે જેનું રિપેર શરૂ કરાયું છે
સિદસર સ્થિત બી.એડ. કોલેજના બિલ્ડીંગનું નવનિર્માણ પૂર્ણ થયા બાદ પાછળના ભાગે દિવાલની સાઇડમાં મોટી તિરાડો પડતા કામગીરી સામે સવાલો ઉઠયા છે. ત્યારે બકુલ કન્સ્ટ્રક્શનના કહેવા પ્રમાણે વરસાદનું પાણી આવતા જમીન બેસી જતા પ્લીંથ કોટેશન બેસી ગયું છે જેનું કામ શરૂ કરેલ છે. જ્યારે સમગ્ર શિક્ષાના અધિકારી નિમાવતે આ અંગે એટ ટેડ બ્લોક વાપર્યા છે પણ ક્યારેક પ્રશ્ન આવતો હોય છે. આ અંગે કોન્ટ્રાક્ટરને સુચના અપાઇ હોવાનું જણાવ્યું હતું.