રાજકોટમાં લાપતા તરૂણીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લીધી
ગાંધીગ્રામ પોલીસે અનેક રિક્ષા અને ઇકો ચાલકોની પૂછપરછ કરી ભેદ ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ
રાજકોટ: રાજકોટના માધાપર નજીક રહેતી એક તરૂણી ઘરેથી લાપતા થઇ ગયા બાદ ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં તેને શોધી લીધી હતી. એટલું જ નહીં તેને ભગાડી જનાર શખ્સ અને તેના મિત્રની ધરપકડ કરી હતી.
જે તરૂણી લાપતા થઇ હતી તેની કમળાની સારવાર ચાલુ હતી. ગઇ તા. ૨૩ના રોજ તે ઘરે ચીઠ્ઠી લખી નીકળી ગઇ હતી. ચીઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે કમળાની બીમારીને કારણે ઘરેથી જઇ રહી છે. તેના વાલીઓએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.
તરૂણીએ બીમારીને કારણે જતી રહ્યાનું ચીઠ્ઠીમાં લખ્યું હોવાથી કોઇ અજુગતુ પગલું ન ભરે તે માટે ગાંધીગ્રામ પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં તરૂણીના ઘરની આસપાસ કોઇ સીસીટીવી મળ્યા ન હતાં. માત્ર એક સીસીટીવીમાં તે મોઢુ દુપટ્ટાથી ઢાંકી અને ખભા પર થેલો ટીંગાડી જતી હોવાનું દેખાયું હતું. આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી કઇ દિશામાં ગઇ તે વિશે ગાંધીગ્રામ પોલીસને કોઇ માહિતી મળી ન હતી.
આ સ્થિતિમાં ગાંધીગ્રામ પોલીસે તરૂણીનાં ઘરથી જે-જે દિશામાં રસ્તા જતા હતા ત્યાંના તમામ રીક્ષાચાલકો અને ઇકો ચાલકોની પૂછપરછ કરી તરૂણીનો ફોટો દેખાડયો હતો. જેના પરથી એક રીક્ષાચાલકે તરૂણીને પોતે ગ્રીન લેન્ડ ચોકડી મૂકી આવ્યાનું કહ્યું હતું. તે રીક્ષાચાલકે પોલીસને જણાવ્યું કે તરૂણીએ તેની પાસેથી કોલ કરવા માટે મોબાઇલ પણ માંગ્યો હતો. પરંતુ તેની પાસે મોબાઇલ ન હતો.
ગ્રીન ચોકડી ઉતર્યા બાદ તરૂણીએ બીજા વાહન ચાલક પાસેથી મોબાઇલ માંગી કોઇ અમન નામના વ્યક્તિને કોલ કર્યાનું તેણે સાંભળ્યું હતું. જેની સામે અમને તેને નજીકની એક હોટલ પાસે ઉભી રહેવાનું કહેતા તે પછી તરૂણીને રીક્ષામાં હોટલ પાસે મૂકી રવાના થઇ ગયા હતાં.
આ સ્થિતિમાં તરૂણીએ જે વાહનચાલકના મોબાઇલમાંથી કોલ કર્યો હતો પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આખરે તે પણ મળી આવતાં તરૂણીએ જે નંબર ઉપરથી કોલ કર્યો હતો તે નંબર બનારસલાલ ગુપ્તાનો હોવાનું જાણવા મળ્યું હતું. જે સંત કબીર રોડ નજીક રહેતા હતા. જેથી તત્કાળ ગાંધીગ્રામ પોલીસે બનારસલાલ પાસે જઇ તે મોબાઇલ નંબરનો કોણ ઉપયોગ કરે છે તેમ પૂછતા તેણે પુત્ર અમનનું નામ આપ્યું હતું. એટલું જ નહીં પુત્ર અમન પોતાના સાળાને મળવા હાલ જેલમાં ગયાનું કહેતા તત્કાળ કોલ કરાવી અમનને બોલાવી લીધો હતો.
ત્યાર પછી ગાંધીગ્રામ પોલીસે અમનની પૂછપરછ કરતાં તેણે તરૂણીને લઇ આવ્યાનું અને હાલ તરૂણી મહાવીરસિંહ સાથે હોવાનું કહ્યુ હતું. જેથી ગાંધીગ્રામ પોલીસે અમન પાસેથી મહાવીરસિંહને કોલ કરાવ્યો હતો. જેણે કુવાડવા રોડ પાસે હોવાનું કહેતા ગાંધીગ્રામ પોલીસે ત્યાં જઇ તેને પણ દબોચી લીધો હતો. તેની સાથે તરૂણી પણ મળી આવી હતી.
ગાંધીગ્રામ પોલીસે મહાવીરસિંહ ઉર્ફે હકો ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપતસિંહ વાઘેલા (ઉ.વ.૨૨, રહે. હાલ પીપળીધામ, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) અને અમન બનારસભાઈ ગુપ્તા (ઉ.વ.૨૪, રહે. ભગીરથ સોસાયટી શેરી નં. ૬, સંત કબીર રોડ)ની વિધિવત ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ કેસમાં પોક્સોની કલમ ઉમેરવામાં આવી છે.
આ રીતે લાપતા તરૂણીને ગણતરીના કલાકોમાં શોધી બંને આરોપીઓને ઝડપી લેવાનું આ ઓપરેશન ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મશરીભાઈ ભેટારીયાએ પાર પાડયું હતું. આ માટે માધાપર અને બેડી પાસેના અનેક રીક્ષા અને ઇકો ચાલકોના મોબાઇલમાં ગુ્રપ બનાવી અગર તો ગુ્રપ હોય તો તેમાં લાપતા તરૂણીનો ફોટો શેર કરાવ્યો હતો. જેના આધારે થોડી-થોડી માહિતી એકત્રિત આખરે બંને આરોપીઓ સુધી પહોંચી ઝડપી લીધા હતાં.
બંને આરોપીઓની જેલમાં મુલાકાત થતાં મિત્રતા થઇ હતી
રાજકોટ: આરોપી મહાવીરસિંહ અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં પકડાયો હતો. જ્યારે બીજો આરોપી અમન પણ બી ડીવીઝન પોલીસમાં અપહરણ, દુષ્કર્મના કેસમાં પકડાયો હતો. બંને આરોપીઓની જેલમા મુલાકાત થતાં મિત્રતા થઇ હતી. થોડા સમય પહેલા જ બંને આરોપીઓ છૂટયા હતાં. ત્યાર પછી આરોપી મહાવીરસિંહનો સ્નેપચેટ પરથી તરૂણી સાથે પરિચય થતાં તરૂણી ઘરેથી ભાગી ગઇ હતી.