વડોદરા, તા.20 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અનેક બ્રિજોની ચકાસણી દરમિયાન બે ઔદ્યોગિક વસાહતોને જોડતા મિની નદી પરનો નંદેસરી બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દઇ બ્રિજની બંને બાજુ પતરાની આડસો ઊભી કરી દેવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનરે આજે એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને મિની નદી પરનો આ બ્રિજ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. નંદેસરી ઔદ્યોગિક વસાહત અને પીસીસી ઔદ્યોગિક વસાહતને જોડતો મિની પરનો બ્રિજ ૫૧ વર્ષ જૂનો છે. અગાઉ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના પર ફક્ત ભારે વાહનો સિવાયના વાહનોની અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
તાજેતરમાં આ બ્રિજની ફરી ચકાસણી કરતા તેની હાલત ગંભીર જણાઇ હતી અને લાઇટ વેઇટ વ્હિકલોની અવરજવર માટે પણ યોગ્ય નહી હોવાનું લાગતા આ બ્રિજ હવે લાઇટ વેઇટ વ્હિકલો માટે પણ બંધ કરી દેવાયો છે. બ્રિજ બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રણોલી રેલવે ઓવરબ્રિજ નીચેથી રણોલી રેલવે ફાટક થઇ પદમલા બ્રિજ નીચેથી નેશનલ હાઇવે થઇ જે-તે તરફ અવરજવર કરી શકાશે. આ ઉપરાંત રિલાયન્સ ધનોરા ગેટ-૭ સામેથી રામપુરા-ધનોરા-અનગઢ-રામગઢ ચોકડી થઇ નંદેસરી તરફ અવરજવર કરી શકાશે.