Karnataka News : કર્ણાટકના હાવેરી જિલ્લાના એક શાકભાજી વેચનારા શંકરગૌડા હદીમણીને GST વિભાગે રૂપિયા 29 લાખની જીએસટી નોટિસ ફટકારી છે, જેના કારણે રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. શંકરગૌડા હાવેરીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ નજીક છેલ્લા ચાર વર્ષથી શાકભાજીની નાની દુકાન ચલાવે છે. જીએસટી અધિકારીઓએ તેમને નોટિસ મોકલીને જણાવ્યું છે કે, તેમણે છેલ્લા ચાર વર્ષમાં રૂ. 1.63 કરોડના વ્યવહારો કર્યા છે, જેના આધારે તેમના પર રૂ. 29 લાખનો જીએસટી બાકી નીકળે છે.
UPI ડેટાની તપાસ બાદ જીએસટી નોટિસ ફટકારાઈ
શંકરગૌડાના મોટાભાગના ગ્રાહકો તેમને UPI અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા ચુકવણી કરે છે. જીએસટી અધિકારીઓએ આ યુપીઆઈ વ્યવહારોના ડેટાનો ઉપયોગ કરીને આ નોટિસ મોકલી છે. જીએસટી નોટિસ જોઈ ગભરાઈ ગયેલા શંકરગૌડાએ કહ્યું કે, તેઓ સીધા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી પોતાની નાની દુકાન પર વેચે છે. તેઓ દર વર્ષે પોતાનું આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે, જેના તમામ રેકોર્ડ્સ તેમની પાસે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર
નોટિસ બાદ ડિજિટલ વ્યવહાર બંધ કર્યો
આટલી મોટી રકમની નોટિસ મળતા તેઓ આશ્ચર્યચકિત અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે તેમના માટે આટલી મોટી રકમ ચૂકવવી અશક્ય છે. નોટિસ મળ્યા પછી તેમણે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને હવે ફક્ત રોકડમાં જ વ્યવહાર કરી રહ્યા છે. આ ઘટના બાદ યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વિકારતા કર્ણાટકના અન્ય નાના વેપારીઓ માં પણ ચિંતા ફેલાઈ ગઈ છે. ઘણા નાના વેપારીઓએ પણ યુપીઆઈનો ઉપયોગ ટાળીને રોકડ વ્યવહારો શરૂ કરી દીધા છે.
કર્ણાટક જીએસટી વિભાગની વેપારીઓને ચેતવણી
કર્ણાટક જીએસટી વિભાગે 17 જુલાઈએ સ્પષ્ટતા કરી હતી કે, વેપારીઓ UPIનો ઉપયોગ બંધ કરીને રોકડ વ્યવહાર કરી રહ્યા છે. તેથી વિભાગે ચેતવણી આપી છે કે, કુલ પ્રાપ્ત થયેલી રકમ પર ટેક્સ લાગુ પડશે, પછી ભલે તે યુપીઆઈ દ્વારા હોય કે પછી રોકડમાં કર્યો હોય. જો વેપારીઓ પોતાની વાસ્તવિક આવક છુપાવવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકારના જીએસટી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આનાથી નાના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે વેપારીઓને ચિંતા ન કરવા અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય