Vice President Jagdeep Dhankar Resigns : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21 જુલાઈ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
ધનખડે રાજીનામું પત્રમાં શું લખ્યું?
ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ‘મને સંસદના માનનીય સભ્યોનો સ્નેહ, વિશ્વાસ અને સમ્માન મળ્યું છે, તે જીવનભર હૃદયમાં યાદ રહેશે.’ તેમણે પોતાના ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળને યાદ કરીને કહ્યું કે, ‘આપણા મહાન લોકશાહી તંત્રમાં મને ઉપરાષ્ટ્રપતિ તરીકે જે અનુભવ અને દ્રષ્ટિકોણ મળ્યો છે, તે માટે હું આભારી છું. ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનવાળા સમયનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.’ આ સાથે તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવળ ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ધનખડે તમામનો આભાર માન્યો
તેમના રાજીનામા પત્રમાં, ધનખડે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટના સભ્યો દ્વારા મળેલા સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સંસદના તમામ સભ્યો તરફથી મળેલા સ્નેહ અને વિશ્વાસને પણ યાદ કર્યો. આ રાજીનામાંથી ઉપરાષ્ટ્રપતિ પદની પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થશે અને તે દેશના ટોચના બંધારણીય પદોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે. તેમનું રાજીનામું સંસદના ચોમાસુ સત્રના પ્રારંભિક દિવસે જ આવ્યું છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર
ધનખડે સરકારી શાળામાં મેળવ્યું હતું શિક્ષણ
રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના કિથાના ગામમાં એક ખેડૂત પરિવારમાં 18 મે-1951 જન્મેલા જગદીપ ધનખડ ભારતના રાજકારણમાં એક જાણીતું નામ છે. તેઓ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા, પરંતુ તેમણે હવે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ રાજસ્થાનની જયપુર યુનિવર્સિટીમાંથી બીએસસી (ઓનર્સ) ફિઝિક્સમાં સ્નાતક થયેલા છે અને ત્યારબાદ 1978-79માં એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેઓ વ્યવસાયે વરિષ્ઠ વકીલ હતા. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ધનખડની રાજકીય કારકિર્દી
ધનખડની રાજકીય કારકિર્દી 1989માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ જનતા દળની ટિકિટ પર ઝુંઝુનુ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે ચંદ્રશેખરની સરકારમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 1991માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના કિશનગઢથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2003માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં તેમની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં તેમણે જુલાઈ 2022 સુધી સેવા આપી.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય