Vice President Jagdeep Dhankar Resigns : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21 જુલાઈ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ધનખડે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ પાર કર્યા છે. ખેડૂત પરિવારથી આવેલા ધનખડનું જીવન, શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ જગદીપ ધનખડ વિશે…
ધનખડે સરકારી શાળામાં મેળવ્યું હતું શિક્ષણ
રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના કિથાના ગામમાં એક ખેડૂત પરિવારમાં 18 મે-1951 જન્મેલા જગદીપ ધનખડ ભારતના રાજકારણમાં એક જાણીતું નામ છે. તેઓ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા, પરંતુ તેમણે હવે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનખડે શૈક્ષણિકથી લઈને રાજકીય બાબતોના અનેક સંઘર્ષ જોયા છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે સૈનિક સ્કૂલ, ચિત્તોડગઢમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ રાજસ્થાનની જયપુર યુનિવર્સિટીમાંથી બીએસસી (ઓનર્સ) ફિઝિક્સમાં સ્નાતક થયેલા છે અને ત્યારબાદ 1978-79માં એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેઓ વ્યવસાયે વરિષ્ઠ વકીલ હતા. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : જગદીપ ધનખડના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? જાણો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
ધનખડની રાજકીય કારકિર્દી
ધનખડની રાજકીય કારકિર્દી 1989માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ જનતા દળની ટિકિટ પર ઝુંઝુનુ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે ચંદ્રશેખરની સરકારમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 1991માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના કિશનગઢથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2003માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં તેમની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં તેમણે જુલાઈ 2022 સુધી સેવા આપી.
પક્ષની વફાદારીનો કોઈ ટ્રેક રેકોર્ડ નહીં
રાજસ્થાનના પાટનગર જયપુરથી અંદાજે બસ્સો કિમી દૂરના વતની એવા ધનખડ પ્રજામાંથી તો આવે છે પણ ખુદ કોઈ પક્ષને વફાદાર હોય એવો એમનો ટ્રેક રેકાર્ડ નથી. એનડીએના ઉમેદવાર એવા જગદીપ ધનખડના મોટા ભાઈ કુલદીપ ધનખડ રાજસ્થાન કોંગ્રેસમાં છે. કુલદીપ ધનખડે બે ટર્મ સુધી ભાજપમાં સેવા આપી પણ ભાજપે તેમને ટિકિટના સ્વરૂપે મેવો ન આપતા તેમણે રાજીનામું ધરી દીધું. નવા ઉપરાષ્ટ્રપતિ ધનખડ પણ એક જમાનામાં એવા જ પક્ષાંતરણના યોગ અજમાવતા હતા.
આ પણ વાંચો : જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું
નહેરુનો પ્રવાસ રદ થતા ધનખડના અંગ્રેજી નારા વ્યર્થ ગયા
સગીર વયના જગદીપે ભારે ઉત્સાહથી કોંગ્રેસના કાર્યકરોને અંગ્રેજીમાં નારા લખી દીધા. પણ અનાયસે નહેરૂનો રાજસ્થાન પ્રવાસ કેન્સલ થયો. એટલે જગદીપનું લખાણ અને તેની મહેનત બન્ને વ્યર્થ ગયા પણ જેટલા સમય પૂરતા તે કોંગી કાર્યકરો સાથે રહ્યા એટલા સમય સુધી ગામમાં તેનો માભો જળવાય રહ્યો, બસ ત્યારથી જ જગદીપના મનમાં સત્તા સ્થાને બેસવાની લાલસા જાગી. જાટ સમુદાયમાંથી આવતા ધનખડ પહેલેથી જ બુદ્ધિશાળી હતા. એટલે ગામમાં બધાના હક માટે લડવાનું સરપંચ સાથે શરુ કરી દીધું, રાજસ્થાનની પ્રજા જેટલી પ્રેમાળ એટલી જ પરાક્રમી પણ છે. જગદીપને નાની ઉંમરે જ ખબર પડી ગઈ હતી કે જો સત્તા સ્થાને બિરાજવું હોય તો કાયદાની સમજ કેળવવી જરૂરી છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય