Vice President Jagdeep Dhankar Resigns : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21 જુલાઈ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપેલા પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સંસદના ચોમાસા સત્રની શરૂઆતમાં જ રાજીનામું આપી દીધું છે, તેથી એ જાણવું જરૂરી છે કે, આખરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે યોજાય છે?
આવી રીતે યોજાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે.
ઉપરાષ્ટ્રપતિ પદે વહેલી ચૂંટણી યોજવી જરૂરી
જો ઉપરાષ્ટ્રપતિનું પદ રાજીનામા, મૃત્યુ, પદ પરથી હટાવવા અથવા અન્ય કોઈ કારણસર ખાલી પડે, તો ખાલી જગ્યા ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજાય છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પૂરા પાંચ વર્ષના કાર્યકાળ માટે પદ સંભાળે છે. બંધારણમાં રાજીનામા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા (જેમ કે 60 દિવસ કે 6 મહિના) નિર્ધારિત કરવામાં આવી નથી, પરંતુ શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવાનો આદેશ છે. આ સુનિશ્ચિત કરે છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ લાંબા સમય સુધી ખાલી ન રહે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવાને કારણે ખાલી પડતી જગ્યા માટેની ચૂંટણી તેમના કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ પૂર્ણ કરવી જરૂરી છે.
આ પણ વાંચો : જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું
કોણ લડી શકે છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
35 વર્ષની ઉંમર પૂરી કરી ચુકેલી કોઈ પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે. ઉમેદવારે ઓછામાં ઓછા 20 સંસદ સદસ્યોને પ્રસ્તાવક અને ઓછામાં ઓછા 20 સંસદ સદસ્યોને સમર્થક તરીકે નામાંકિત કરાવવાના હોય છે. ઉમેદવાર સંસદના કોઈ સદન કે રાજ્યના વિધાનમંડળનો સદસ્ય ન હોવો જોઈએ. જો કોઈ સંસદ સદસ્ય ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા ઈચ્છે છે તો તેમણે સદનની સદસ્યતામાંથી રાજીનામુ આપવું પડશે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનનારી વ્યક્તિએ 15,000 રૂપિયાની જામીન રાશિ પણ જમા કરાવવાની હોય છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય છે?
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંધારણના અનુચ્છેદ 66 પ્રમાણે મતદાર મંડળમાં કુલ 788 સાંસદો હોય છે. તેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સદસ્યો અને 12 નામાંકીત સદસ્યોની સાથે-સાથે લોકસભાના 543 સદસ્ય સામેલ થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (proportional representation) દ્વારા કરવામાં આવે છે. તેમાં ખાસ રીતે વોટિંગ થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે. તેમાં મતદારોએ મત એક જ આપવાનો હોય છે પરંતુ તેને પોતાની પસંદના આધાર પર પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. તેઓ બેલેટ પેપર પર ઉપસ્થિત ઉમેદવારોમાંથી પોતાની પહેલી પસંદને 1, બીજી પસંદને 2 અને એ જ રીતે આગળની પ્રાથમિકતા આપે છે. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી નિવર્તમાન ઉપરાષ્ટ્રપતિના પદાવધિની સમાપ્તિના 60 દિવસની અંદર કરવાની હોય છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
ગુપ્ત મતદાન, માત્ર ખાસ પેનનો જ ઉપયોગ
મતદાન ગુપ્ત રીતે થાય છે. મતપત્ર પર મત ચિહ્નિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ પેનનો જ ઉપયોગ કરવાનો હોય છે. અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાથી મત અમાન્ય થઈ શકે છે. ભારતીય ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને લોકસભા અને રાજ્યસભાના મહાસચિવમાંથી કોઈ એકને વારાફરતી, ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરે છે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીને નિર્ધારિત સમયમાં રજૂ કરવાના હોય છે.
મતગણતરીની પ્રક્રિયા
ચૂંટણીનો એક કોટા પહેલેથી જ નિર્ધારીત હોય છે, જેમાં જેટલા સભ્યો મત આપે છે, તે સંખ્યાને બેથી ભાગમાં આવે છે, પછી તેમાં એક ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ચૂંટણીમાં 787 સભ્યો મત આપે, તો તેના બે ભાગ પાડ્યા બાદ 393.50 થાય છે, જેમાં 0.50 ગણવામાં આવતો નથી, તેથી આ સંખ્યા 393 થાય છે. પછી તેમાં એક ઉમેરવામાં આવ્યા બાદ સંખ્યા 394 થઈ જાય છે. ચૂંટણી જીતવા માટે 394 મત મળવા જરૂરી છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર
સભાપતિ તરીકે સેલેરી
ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. આ પદ માટે તેમને સંસદ અધિકારીના સેલેરી અને ભથ્થા અધિનિયમ, 1953 અંતર્ગત સેલેરી આપવાની જોગવાઈ છે. રાજ્યસભાના સભાપતિ તરીકે તેમને સેલેરી અને અન્ય સરકારી સુવિધાઓ મળે છે. ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. તે સિવાય તેમને અન્ય કેટલાક ભથ્થાંઓ પણ મળે છે. તેમાં દૈનિક ભથ્થાં, ચિકિત્સા, મફત આવાસ, યાત્રા તથા અન્ય સુવિધાઓનો લાભ મળે છે.
રાષ્ટ્રપતિની સુવિધા પણ મળે છે
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ જવાબદારીઓ સંભાળે છે. તે સમયે તેમને રાષ્ટ્રપતિ તરીકેનો પગાર અને સરકારી સુવિધાઓ મળે છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિને સરકારી સ્ટાફ પણ આપવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને વેતનના 50% પેન્શન મળે છે.