સંગીત વાદ્યોથી નટરાજ શિવપૂજાનો અનેરો મહિમા : આવી જ રીતે છેલ્લાં 27 વર્ષથી મંદિરમાં 2 વખતની આરતીમાં વેરાવળથી આવી સાગરપુત્ર શંખ ધ્વનિ કરે છે
પ્રભાસપાટણ, : ભક્તિ માર્ગમાં નિષ્કામ ભક્તિનો મહિમા અનેરો છે. અહીં વેરાવળના સાગરપુત્ર કોઇપણ પુરસ્કાર કે વેતનની અપેક્ષા વગર સોમનાથ મંદિરમાં સવાર-સાંજની આરતી વેળા વેરાવળથી સોમનાથ મંદિરે આવી શંખ ધ્વનિ કરે છે. આ ક્રમ છેલ્લા 27 વર્ષથી લાગલગાટ જારી રહ્યો છે. કોરોના હોય કે સંકટ, એમની હાજરી અચૂક હોય છે. એવી જ રીતે અહીં એક પરિવાર એવો છે કે તેની ત્રણ પેઢીથી સોમનાથ મંદિરમાં શરણાઇ- નોબત વગાડી વાતાવરણને મંગલમય દિવ્ય બનાવે છે.
વેરાવળના સાગરપુત્ર ભરત ભુટ્ટી છેલ્લા 27 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર સોમનાથ મંદિરની બે ટાઇમની આરતીમાં અવશ્ય હાજરી આપે છે અને સુદીર્ધ શંખધ્વનિ કરી આરતીને ધબકતી બનાવી દે છે. દેવ મંદિરોમાં સંગીત, નૃત્ય, ગાયન-વાદનનો ખૂબ જ નહીમા હોય છે. એમાંયે સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાચીનકાળથી નૃત્યાંજલિ અપાતી રહે છે. દેવાધિદેવ નટરાજને અગાઉ ચૌલાદેવી નર્તકી નૃત્ય પૂજાથી રીઝવતી હતી. અહીં પણ મંદિરમાં દેશના સંગીત વાદ્યકારો દૂર દૂરથી આવીને સંગીતાંજલિ અર્પે છે. અહીં એક પરિવાર એવો છે કે તેની ત્રણ પેઢીથી દિગ્વિજય દ્વાર પાસેના નોબતખાનામાં ચોઘડિયા સ્વરૂા.પે ત્રણ ટાઇમ શરણાઇ વાદન કરે છે જેમાં હાલની પેઢીના મૂકેશ મકવાણા શરણાઇના સૂર રેલાવે છે. અગાઉ તેના પિતા નથુ કાનજી મકવાણા અને તેના દાદા કાનજી કરશન મકવાણા મૃત્યુપર્યંત શરણાઇ વાદક રહ્યા હતાં. આ મંદિરમાં અગાઉ 21વર્ષથી હરેશ ચુડાસમા નગારાવાદન કરતા હતા હવે તેના પુત્ર નિરવ ચુડાસમા નગારખાનામાં નગારા વાદન કરે છે.