Fake Three Star Hospital in Naroda: ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, નકલી કચેરી, ટોલનાકા, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી તબીબો વગર ચાલતી આખેઆખી હોસ્પિટલ ઝડપાઇ છે. શહેરના નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર થ્રી સ્ટાર હોસ્પિટલનું સંચાલન ચાલતું હતું. એટલું જ નહી બોગસ ડૉક્ટરે એ.એમ.સી.નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડનો પર્દાફાશ બાદ હવે હવે આ નકલી હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.
નકલી હોસ્પિટલમાં બધુ જ નકલી
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના વ્યક્તિએ બોગસ ડૉક્ટર બની થ્રી સ્ટાર નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લીકેટ સહી-સિક્કા અને એ.એમ.સી.ના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી. એટલું જ નહી આ હોસ્પિટલમાં આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’
મેડીક્લેઇમ પાસ કરાવવાનું કૌભાંડ
આ નકલી હોસ્પિટલમાં અલગ અલગ ડૉક્ટરના નામે ખોટા કેસ બનાવવામાં આવતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલી દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી છેતરપિંડી આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે. વીમા કંપનીઓમાં ખોટા ડૉક્યુમેન્ટ આપીને મેડીક્લેઇમ પાસ કરાવવાનું પણ કૌભાંડ આચરવામાં આવતું હતું.