Vapi Ganja Smuggling : વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક સુરતના પલસાણાના બે શખ્સોને 6.039 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા. બંને આરોપી સુરતથી વાપી ગાંજાની ડિલીવરી કરવા આવતા પોલીસે બાતમીના આધારે બંનેને દબોચી લીધા હતા. કડોદરાના શખ્સે બંને આરોપીને વાપીના ભડકમોરા વિસ્તારમાં ગાંજાની ડિલીવરી કરવા રૂ.1-1 હજાર આપવાનું નક્કી કર્યું હતું.
વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઈ. સયદ બાબનભાઈ અને હે.કો.પ્રમોદ શાલીગ્રામને મળેલી બાતમીના આધારે ટીમે વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક પ્લાઝા હોટલ સામે રીક્ષા સ્ટેન્ડ પાસે ઊભેલા બાતમી મુજબના વર્ણનવાળા બે શખ્સ પાસે પહોંચી પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો. બાદમાં પોલીસે એક શખ્સ પાસે રહેલી બેગમાં તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી કૌથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરીક્ષણ દરમિયાન ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે 6.039 કિ.ગ્રા. ગાંજો, 3 મોબાઈલ અને રોકડા રૂ.1235 જપ્ત કર્યા હતા. જયારે બે આરોપી દેવેન્દ્રસિંગ નવલસિંગ જાટ (ઉ.વ.23) અને દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસિંગ રાજપૂત (ઉ.વ.27) (બંને રહે. ક્રિષ્ણાનગર, કડોદરા, પલસાણા, સુરત)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ગાંજાનો જથ્થો કડોદરા ખાતે રહેતા રાજનસિંગ નામના શખ્સે આપી બંને આરોપીને વાપી સુધી જથ્થો પહોંચાડવા રૂ.1-1 હજાર નક્કી કર્યાહતા. રાજનસિંગે આરોપીઓને વાપીના ભડકમોરામાં ખુલ્લી જગ્યામાં જથ્થો મુકી દેવા જણાવ્યું હતું. જીઆઈડીસી પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી રાજનસિંગને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ આદરી છે.