– 2021 માં પણ એસઓજીના હાથે ઝડપાઈ હતી
– ગર્ભ પરિક્ષણ કરી આપવા માટે રૂા.૧૮ હજાર અને દીકરી હોય તો ગર્ભપાત કરાવી આપવા માટે રૂા.ર૦ હજાર માંગ્યા હતા
રાજકોટ : રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજબેન વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.૪૦, રહે. રઘુવીર સોસાયટી શેરી નં.૪, સહકાર મેઈન રોડ)ને એસઓજીએ ઝડપી લઈ સોનોગ્રાફી મશીન કબજે કર્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે નર્સિંગનો કોર્સ કરનાર સરોજબેનને ર૦ર૧ની સાલમાં એસઓજીએ જ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી લીધી હતી. જે અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં પીસી એન્ડ પીએન પીટી એકટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે તેમ એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.
એકવાર પકડાયા પછી પણ સરોજબેન હાલ ગેરકાયદે ગર્ભ પરિક્ષણની પ્રવૃત્તિમાં સામેલ હોવાની એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે છેલ્લા એકાદ માસથી એસઓજીની ટીમ તેની ખરાઈ કરી રહી હતી. આખરે માહિતી પાકી હોવાની ખાતરી થતાં જ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી.
આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી એક ખરેખર હાલ સર્ગભા છે, જયારે બીજી મહિલા કોન્સ્ટેબલે તેની બહેનનો સ્વાંગ રચ્યો હતો. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીકના ૮૦ ફૂટના રોડ પર આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. આ કવાર્ટરમાં જ સરોજબેન ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતાં હતા. જો કે અગાઉ પકડાઈ ગયા હોવાથી સરોજબેન હવે તકેદારી રાખતા હતા.
જેના ભાગરૂપે તેણે બંને મહિલા કોન્સ્ટેબલની કયા સ્થળેથી આવ્યા છો, કોણે રેફરન્સ આપ્યો સહિતની રજે-રજની માહિતી મેળવી ખાત્રી કર્યા બાદ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રૂા.૧૮ હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના રૂા.ર૦ હજાર કહ્યા હતા.
તેણે સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે એસઓજીની ટીમને જાણ કરતાં સરોજબેનને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
એસઓજીએ સ્થળ પરથી રૂા.૪ લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન, ગર્ભ પરીક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલની બોટલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે સરોજબેન સોનોગ્રાફી મશીન ભાડે લીધાનું કહી રહ્યા છે. આ મશીન અધિકૃત ડોકટરો સિવાય કોઈને મળતું નથી. આ સ્થિતિમાં તેણે આ મશીન કોની પાસેથી લીધું, કોની મદદથી ગર્ભપાત કરાવી આપતા હતા તે અંગે તાલુકા પોલીસ હવે તપાસ કરશે. જેમાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શકયતા છે.