– મ્યૂનિ.એ સરનેમ બદલવાની ના પાડતા માતા હાઇકોર્ટ પહોંચી હતી
– પુત્રી માતાની સરનેમ અપનાવે તો પણ પિતાની ઉત્તરાધિકારી ગણાય, અધિકારોને અસર ના થાય : કલકત્તા હાઇકોર્ટ
કોલકાતા : કલકત્તા હાઇકોર્ટે એક બાળકીના જન્મના સર્ટિફિકેટમાં પિતાની જગ્યાએ માતાની અટક લખવાની છૂટ આપી હતી. માતા-પિતાના છૂટાછેડા થઇ ચુક્યા છે. જ્યારે બાળકી હાલ માતા સાથે રહે છે અને નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના જન્મના પ્રમાણપત્રમાં પિતાની સરનેમ ચટ્ટોપાધ્યાય છે, જ્યારે આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજોમાં માતાની સરનેમ ભટ્ટાચાર્ય લગાવી છે.
જ્યારે બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું થયું ત્યારે મુશ્કેલી સામે આવી, બાદમાં માતાએ પુત્રીના જન્મ પ્રમાણપત્રમાંથી પિતાની સરનેમ હટાવવા માટે પ્રશાસનને અપીલ કરી હતી. જોકે મ્યૂનિ. કોર્પોરેશને સુધારા કરવાની ના પાડી દીધી અને એવો દાવો કર્યો કે જન્મ સંબંધિત દસ્તાવેજોમાં કોઇ ખામી હોય તો જ તેમાં સુધારા વધારા કરી શકાય. અન્ય મામલામાં મ્યૂનિ. કોર્પોરેશન કઇ ના કરી શકે. બાદમાં માતા દ્વારા કલકત્તા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ ગૌરાંગ કાંતે માતાની અપીલ પર મ્યૂનિ. કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે તે એક મહિનાની અંદર બાળકીને નવુ જન્મ સર્ટિફિકેટ આપે અને પિતાની જગ્યાએ માતાની સરનેમ લગાવે. સરનેમ બદલવામાં આવે તો પણ પુત્રીને પિતાની સંપત્તિમાં અધિકાર મળશે, અને તે ઉત્તરાધિકારી પણ ગણાશે. સરનેમ કે બાળકની ઓળખ તે તેના વ્યક્તિગત વિકાસ અને સ્વાયત્તતાનો હિસ્સો છે. સરનેમ બદલવાથી અધિકારો નથી છીનવાઇ રહ્યા. જેને પગલે આ આદેશ આપવામાં આવે છે.