વડોદરાઃ વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં તંત્ર સાવ નિષ્ફળ ગયું છે અને તેેને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઇ ગયા છે.
અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરા નજીક પોરથી કરજણની વચ્ચે છેલ્લા બે વર્ષથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે.પરંતુ તેનો હજી કોઇ ઉકેલ આવતો નથી.પરિણામે આજે ફરી એક વાર પોર થી માંગલેજ વચ્ચે છ કિમી સુધીનો ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો સલવાયા હતા.
ઉપરોક્ત માર્ગ પર જામ્બુવા અને બામણગામ પાસે સાંકડા બ્રિજને કારણે તેમજ ખાડા પડી જવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.હવે પોર પાસેનો લોઅર બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.
ટ્રાફિક જામ થવાને કારણે સૌથી વધુ પરેશાની નોકરીયાતો અને વિદ્યાર્થીઓને થઇ રહી છે.જ્યારે,ફેક્ટરીવાળા અને અન્ય ધંધાર્થી પણ આ માર્ગનો ઉપયોગ કરતાં ગભરાટ અનુભવી રહ્યા છે.
તરસાલી-રાઘવપુરાના આંતરિક માર્ગનો ઉપયોગ વધ્યો
વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હવે વડોદરાથી તરસાલી,ધનીયાવી,રાઘવપુરા થઇને પોર-નારેશ્વર તરફ જતા આંતરિક માર્ગનો ઉપયોગ વધી ગયો છે.જેને કારણે આગામી સમયમાં હાઇવેની ટ્રાફિક સમસ્યા હલ નહિ થાય તો આંતરિક રસ્તાઓ પર પમ ટ્રાફિકનું ભારણ વધશે અને ગ્રામજનોની પરેશાની વધશે.