– કરમસદ- આણંદ મનપા દ્વારા 7 મહિનામાં
– જુલાઈ મહિનામાં 71 ટીમો દ્વારા 33,733 લોહીના નમૂના લેવાયા : 42 સ્થળે ગપ્પી ફીશ નાખવામાં આવી
આણંદ : કરમસદ- આણંદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા આણંદ શહેર તથા આસપાસ ૪૨ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જાન્યુઆરીથી જુલાઈ- ૨૦૨૫ દરમિયાન ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોની તપાસ કરાતા ૫૫૫૬ જેટલા પાત્રોમાં પોરા જોવા મળતા ૨૧૧ જગ્યાએ નોટિફિકેશન અમલવારી કરાઈ હતી. મોટા પ્રમાણમાં પોરા જોવા મળેલા વિસ્તારમાંથી કુલ રૂા.૨,૬૨,૨૦૦ દંડની રકમ વસૂલવામાં આવી હતી.
ચોમાસામાં મચ્છરોના વ્યાપક ઉપદ્રવને લીધે વાહકજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નિયંત્રણ અને અટકાયત માટે જિલ્લાના ૫૪ પ્રા.આ.કેન્દ્રો, ૮ અર્બન આરોગ્ય કેન્દ્રો અને મહાનગરપાલિકા આણંદના ક્ષેત્રિય વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને અર્બન મેલેરીયા સ્કીમ સહિતની ટીમો દ્વારા સઘન હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં તા.૧-૦૭-૨૦૨૫થી તા.૨૦-૦૭-૨૦૨૫ સુધી સમગ્ર જિલ્લામાં હાથ ધરાયેલ સર્વેલન્સ કામગીરી અંતર્ગત કુલ ૩૨૩ સબસેન્ટરમાં ૭૧ ટીમોના ૭૦ સુપરવાઈઝરો દ્વારા ૪૭૦૬૧૧ ઘરોમાં તપાસ હાથ ધરતા ૬૨૪૭ ઘરોમાં પોરા મળ્યા હતા. વધુમાં ટીમ દ્વારા ૧૫૫૪૨૯૨ પાત્રો તપાસતા ૬૪૭૧ પાત્રોમાં પોરા મળ્યા હતા જ્યારે ૨૪૯૪૨ પાત્રોમાં દવા નાખવામાં આવી હતી અને ૨૫૧૮૪ પાત્રોનો નાશ કરાયો હતો. સાથે સાથે ટીમો દ્વારા ૫૨૬ ઘરોમાં ફોગીંગ કરવા ઉપરાંત ૪૨ સ્થળોએ ગપ્પી ફીશ નાખેલ અને ૩૩૭૩૩ લોહીના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ટીમો દ્વારા ૧૨૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, ૬૨૩થી વધુ ધાર્મિક સ્થળો, ૧૩૧થી વધુ ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસી/ફેક્ટરીઓ, ૨૭૮થી વધુ સરકારી કચેરીઓ, ૪૫૪થી વધુ ટાયર/ભંગારની દુકાનો, ૬૫થી વધુ પોલીસ સ્ટેશન/બસ સ્ટેશન/રેલ્વે સ્ટેશન અને ૧૦૧૩ થી વધુ બાંધકામ સાઈટોમાં સર્વે હાથ ધરી ૨૫૨ જેટલી નોટીસો આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.