– બળાત્કાર બાદ સગીરાને તરછોડી
– સગીરાએ જાણ કરતા પરિવારજનોની વીરસદ પોલીસ મથકે ફરિયાદ
આણંદ : બોરસદ તાલુકાના ઉનેલી ગામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે બોરસદ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદ તાલુકાના ઉનેલી ગામે રહેતો કૌશિક જયંતીભાઈ સોલંકી ગત તા. ૧૪મી જુલાઈથી ૨૦મી જુલાઈ દરમિયાન ૧૭ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં કૌશિક સોલંકીએ સગીરાને વિવિધ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ સગીરાને તરછોડી મૂકી હતી. ઘરે આવ્યા બાદ સૂનમૂન રહેતી સગીરાને પરિવારજનોએ પૂછપરછ કરતા તેણીએ પોતાની સાથે બનેલ ઘટના અંગે પરિવારજનોને જણાવતા પરિવારજનો સગીરાને લઈ વીરસદ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં કૌશિક જયંતીભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.