Vadodara Fraud Case : વડોદરામાં ગોરવા વિસ્તારમાં રહેતી લઘુમતી કોમની એક મહિલાને ઓનલાઈન ટાસ્ક આપવાના નામે ઠગોએ રૂપિયા પડાવી લીધા હોવાનો વધુ એક બનાવ બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
મહિલાએ પોલીસને કહ્યું છે કે, ગત જાન્યુઆરી મહિનામાં મને પલ્લવી શેખરના નામે મેસેજ આવ્યો હતો અને ઓનલાઇન ટેન્ડરના ટાસ્ક લઈ ઘેર બેઠા કમાવાની ઓફર આપી હતી. મેં રિસ્પોન્સ આપતા મને એક લિંક મોકલી ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવી હતી.
મહિલાએ કહ્યું છે કે, આ ગ્રુપમાં અનેક લોકો મેસેજ મુકતા હતા. જેથી મેં પણ કામ કરવાની ઈચ્છા દર્શાવતા બીજી એક લીંક મોકલી મારું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેન્ડરના ટાસ્કના નામે ડિપોઝીટ રૂપે રૂપિયા ભરાવવામાં આવ્યા હતા.
તેની સામે મારા બેંક એકાઉન્ટમાં 17 થી 20 જાન્યુઆરી દરમિયાન 1.38 લાખ જમા થતા મને વિશ્વાસ આવ્યો હતો. પરંતુ ત્યારબાદ રકમ આપવાની બંધ થઈ ગઈ હતી અને મારી જમા થયેલી 14.57 લાખ ઉપરાંતની રકમમાંથી બાકી રહેતી પણ 13.18 જેટલી રકમ હજી જમા થઈ નથી. જેથી સાયબર સેલે બેંક ડીટેલના આધારે તપાસ હાથ ધરી છે.