image : Filephoto
Vadodara Coropration : વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ગંદકી ફેલાવનારાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
છેલ્લાં દોઢ મહિનાના સમયગાળામાં પાલિકાએ અંદાજિત 28 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. શહેરના તમામ વોર્ડમાં દરરોજ પાલિકાની વોર્ડ વાઇઝ બનાવાયેલી ટીમો સતત ઇન્સ્પેક્શન કરે છે અને ગંદકી કરનારા સામે તાત્કાલિક દંડ ફટકારવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, ફક્ત જાહેરમાં ગંદકી કરવાના કેસમાં જ પાલિકાએ અંદાજિત રૂ.16 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ અને કન્સ્ટ્રક્શન સાઈટો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંનેમાંથી મળીને અંદાજિત રૂ.10 લાખથી વધુનો દંડ વસૂલાયો છે.
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા દંડનીય કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે હવે દંડ વસૂલાતની કાર્યવાહી સઘન બનાવી દેવાઈ છે. શહેરના તમામ વોર્ડમાં છેલ્લા દોઢ મહિનામાં સરેરાશ રૂપિયા 1.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આગામી સમયમાં આ આંકડો હજુ પણ બમણો થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
આવનાર વર્ષોમાં શહેરને સફાઈ મામલે સારો રેન્ક મળી રહે એ માટે ગંદકી ફેલાવનારા સામે સખત પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકા તરફથી અગાઉથી જાહેર સૂચના આપી દેવામાં આવી હતી કે, જાહેર સ્થળે ગંદકી કે પ્લાસ્ટિક ઉપયોગ કરશો તો દંડ ફરજિયાપણે ભરવો પડશે. આગામી દિવસોમાં પાલિકાની આ કાર્યવાહી સતત ચાલુ રહેશે.