વડોદરાઃ શહેરની ઐતિહાસિક ધરોહરો પૈકીની એક માંડવીની ઈમારતમાં તિરાડો દેખાયાને ૬ મહિના થઈ ગયા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો આ દરવાજાનું સમારકામ હજી પણ શરુ કરી શક્યા નથી.
સુલતાન મુઝ્ઝફરશાહે ૧૫૧૧માં બનાવેલી આ ઈમારત શહેરના ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ છે.૬ મહિના પહેલા તેના કેટલાક પિલ્લરો પર તિરાડો જોવા મળી હતી અને કેટલીક જગ્યાએથી પોપડા ખરતા ઉહાપોહ થયો હતો.ઈમારતને વધારે નુકસાન થતું અટકાવવા માટે ટેકા પણ મૂકવામાં આવ્યા હતા.એ પછી આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ, શહેરની સંસ્થા હેરિટેજ ટ્રસ્ટના સભ્યો તેમજ રાજવી પરિવારે પણ માંડવીની મુલાકાત લીધી હતી.મોટાભાગના લોકોની લાગણી હતી કે, આ ઈમારતનું વહેલી તકે સમારકામ શરુ થવું જોઈએ.હેરિટેજ ટ્રસ્ટે પણ સમારકામની કામગીરી વહેલી તકે કરવા માટે ભલામણ કરી હતી.જોકે ટેકા મૂકવાથી આગળ કોઈ કામગીરી થઈ નથી.કોર્પોરેશને દરવાજાનું સમારકામ લટકાવીને રાખ્યું છે અને બીજી તરફ ચોમાસાના કારણે બાંધકામ વધારે નબળું પડે તેવી દહેશત છે.આગામી ગણેશોત્સવ દરમિયાન શ્રીજીની સવારીઓ લઈને માંડવી પાસેથી નીકળનારા મંડળોને ડીજે વગાડવાની પણ ના પાડી દેવામાં આવી છે.કારણકે ડીજેના વાઈબ્રેશનથી પણ ઈમારતને નુકસાન થવાની શક્યતા છે.
કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, સમારકામ માટે ટેન્ડરો મંગાવતા પહેલા તેનો અંદાજીત ખર્ચ નક્કી કરવા માટેનું કામ બે મહિના પહેલા સુરતના સુમેશ મોદી નામના એક્સપર્ટને આપેલું છે.તેમના તરફથી અંદાજીત ખર્ચની રકમ મળી નથી અને તેના કારણે ટેન્ડર મંગાવવાની કાર્યવાહી પણ શરુ થઈ નથી.
પૂજારીના આંદોલનના ૧૦૦ દિવસ પૂરા થયા
માંડવી દરવાજાની બાજુમાં આવેલા અને પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસના આંદોલનને પણ ૧૦૦ દિવસ થઈ ગયા છે પણ માંડવીની સ્થિતિ ઠેરની ઠેર છે.હરિઓમ વ્યાસે એલાન કર્યું હતું કે, જ્યાં સુધી માડવી દરવાજાનું સમારકામ કરવાનું શરુ નહીં કરાય ત્યાં સુધી રોજ હું ઉઘાડા પગે કેટલાક કલાકો માટે માંડવી દરવાજા નીચે ઉભો રહીશે.૧૦૦ દિવસથી તેઓ માંડવી દરવાજા નીચે ઉભા રહે છે.