અમદાવાદ, રવિવાર
શહેરના માધુપુરા વિસ્તારમાંથી પોલીસે એક વ્યક્તિને વિવિધ બ્રાંડની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ સાથે ઝડપી લીધો હતો. આરોપી એપલ, રેબન અને આંતરરાષ્ટ્રીય બ્રાંડની ચીજવસ્તુઓને અસલીના નામે સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ કે પી જાડેજા અને તેમનો સ્ટાફ બે દિવસ પહેલા બાતમી મળી હતી કે શાહપુર દરવાજા બહાર આવેલી કંચન હોટલમાં રહેતો મુસ્કીમ મલીક બિલ કે આધાર પુરાવા વિના આંતરરાષ્ટ્રીય બ્રાંડની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તેને મુસ્કીમ મલીકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રેબન બ્રાંડના ૨૨ નંગ ચશ્મા, એપલ કંપનીના એરપોડ, એપલ બ્રાંડની વોચ અને બ્રાંડેડ બેગ મળી આવી હતી. જે નકલી હતી.
પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દિલ્હીથી બ્રાંડેડ ડુપ્લીકેટ ચીજવસ્તુ મંગાવીને અમદાવાદમાં સ્થાનિક લોકોને અસલીના નામે તેમજ બિલ કે આધાર પુરાવા વિના વેચાણ કરતો હતો.